અમેરિકાની ‘ઓપરેશન હાર્ડ બૉલ’ તપાસમાં પંજાબ પોલીસ અધિકારી ગુરિંદરજીત સિંહ નાગરાનું નામ સામે આવ્યું; FBIના આરોપો બાદ પંજાબ પોલીસે ભ્રષ્ટાચાર અને ખંડણીના કેસમાં કરી ધરપકડ
પંજાબ પોલીસના અધિકારી સામે આંતરરાષ્ટ્રીય સ્તરે લાગેલા ગંભીર આરોપો બાદ રાજ્યમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) અને અમેરિકન પ્રોસિક્યુટર્સ દ્વારા સંગઠિત ગુનાખોરીના કેસમાં નામ સામે આવ્યા બાદ પંજાબ પોલીસના તંડા પોલીસ સ્ટેશનના પૂર્વ સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) ગુરિંદરજીત સિંહ નાગરાની ધરપકડ કરવામાં આવી છે. તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ખંડણી સંબંધિત કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી પંજાબ પોલીસ તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે.
અમેરિકી તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર ગુરિંદરજીત સિંહ નાગરા પર આરોપ છે કે તેમણે જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયાના સંગઠિત ગુનાહિત નેટવર્કને મદદ કરી હતી. આરોપ મુજબ તેમણે અમેરિકાના લોસ એન્જલસમાં રહેતા ભારતીય મૂળના એક પરિવારને ખોટા હત્યાના કેસમાં ફસાવવાની ધમકી આપીને લગભગ 4 લાખ અમેરિકન ડોલર (અંદાજે ₹4 કરોડ)ની ખંડણી વસૂલવાનો પ્રયાસ કર્યો હતો.
સમગ્ર મામલો અમેરિકાની બહુદેશીય તપાસ ‘ઓપરેશન હાર્ડ બૉલ’ દરમિયાન બહાર આવ્યો હતો. અમેરિકા, કેનેડા અને યુરોપમાં સક્રિય આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાખોર ગેંગો સામે શરૂ કરાયેલા આ અભિયાન દરમિયાન કુલ 37 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યા છે. આ તપાસમાં હત્યા, ખંડણી, ડ્રગ્સની હેરાફેરી, ધમકી અને આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાખોરી જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. અમેરિકન પ્રોસિક્યુટર્સના આરોપો અનુસાર જગ્ગુ ભગવાનપુરિયા ગેંગના સભ્ય ગુરલાલ સિંહએ લોસ એન્જલસમાં રહેતા એક ભારતીય મૂળના વ્યક્તિ અંગેની માહિતી ગુરિંદરજીત સિંહ નાગરાને આપી હતી. ત્યાર બાદ નાગરાએ કથિત રીતે પીડિતના પરિવારનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે ભારતમાં તેમના સગા સામે જ હત્યાનો કેસ નોંધવામાં આવશે અને પરિવારના અન્ય સભ્યોને પણ આરોપી બનાવવામાં આવશે. આ કાર્યવાહી અટકાવવી હોય તો મોટી રકમ ચૂકવવાની માગ કરવામાં આવી હતી.
FBI દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજોમાં આ સમગ્ર કથિત ષડયંત્રને આંતરરાષ્ટ્રીય ખંડણી રેકેટનો ભાગ ગણાવવામાં આવ્યો છે. જોકે અમેરિકાના આરોપોની સ્વતંત્ર રીતે ભારતમાં હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેમ છતાં આરોપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પંજાબ પોલીસે આંતરિક તપાસ શરૂ કરી હતી. જો કે ગયા અઠવાડિયે જ્યારે FBIની મીડિયા બ્રિફિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે ગુરિંદરજીત સિંહ નાગરાને તાત્કાલિક તંડા પોલીસ સ્ટેશનમાંથી હટાવીને પોલીસ લાઈન્સમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ હોશિયારપુર જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ તેમના વિરુદ્ધ વિભાગીય તપાસ શરૂ કરી હતી.
હોશિયારપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP)એ તે સમયે સ્પષ્ટ કર્યું હતું કે ભારત સરકાર અથવા પંજાબ સરકાર તરફથી FBIના આરોપો અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નહોતી. તેમ છતાં, સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ પંજાબ પોલીસે હવે ગુરિંદરજીત સિંહ નાગરાની સત્તાવાર ધરપકડ કરી છે. તેમના વિરુદ્ધ એક્સટોર્શન અને કરપ્શન એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ અધિકારીઓ હવે તેમના નાણાકીય વ્યવહારો, ફોન રેકોર્ડ, આંતરરાષ્ટ્રીય સંપર્કો તેમજ ગેંગસ્ટરો સાથેના સંભવિત સંબંધોની વિગતવાર તપાસ કરી રહ્યા છે. અમેરિકી તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર આ કેસ માત્ર એક પોલીસ અધિકારી સુધી મર્યાદિત નથી. સમગ્ર કેસમાં ભારત, અમેરિકા, કેનેડા અને યુરોપમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય ગુનાખોર નેટવર્ક સામેલ હોવાનું માનવામાં આવે છે. અમેરિકાના જણાવ્યા મુજબ આ ગેંગો દ્વારા ખંડણી, હત્યા, ડ્રગ્સની હેરાફેરી અને ધમકી જેવી પ્રવૃત્તિઓ વર્ષોથી ચલાવવામાં આવી રહી હતી.
જગ્ગુ ભગવાનપુરિયા પંજાબના સૌથી કુખ્યાત ગેંગસ્ટરોમાંનો એક માનવામાં આવે છે. જેલમાં હોવા છતાં તેની ગેંગ દેશ-વિદેશમાં સક્રિય હોવાના આરોપો વારંવાર સામે lઆવતા રહ્યા છે. અમેરિકાની તપાસમાં પણ ગેંગના અનેક સભ્યોના નામ સામે આવ્યા છે. તાજેતરમાં FBIએ ગેંગ સાથે જોડાયેલા નિતિશ કૌશલ ઉર્ફે ‘લાલા’ને પણ અમેરિકાના વર્મોન્ટ રાજ્યમાંથી ઝડપી પાડ્યો હતો. આ કેસે પંજાબ પોલીસની વિશ્વસનીયતા પર પણ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. જો તપાસમાં આરોપો સાચા સાબિત થશે તો કોઈ ફરજ પરનો પોલીસ અધિકારી આંતરરાષ્ટ્રીય ગુનાખોર ગેંગ સાથે મળીને ખંડણીના ષડયંત્રમાં સામેલ થયો હોવાનો આ દેશના કાયદા અમલીકરણ માટે અત્યંત ગંભીર મુદ્દો ગણાશે.
કાનૂની નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો અમેરિકાની તપાસમાંથી પ્રાપ્ત પુરાવા ભારતીય તપાસ એજન્સીઓને સોંપવામાં આવશે તો કેસ વધુ ગંભીર બની શકે છે. જરૂરી હોય તો બંને દેશોની તપાસ એજન્સીઓ વચ્ચે માહિતીની આપ-લે પણ થઈ શકે છે.પજાબ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ સંપૂર્ણપણે નિષ્પક્ષ રીતે કરવામાં આવશે અને જો કોઈ અન્ય અધિકારીની સંડોવણી સામે આવશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ અધિકારીને કાયદાથી ઉપર માનવામાં આવશે નહીં.
આ સમગ્ર ઘટનાએ આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાખોરી સામે ભારત અને અમેરિકાની સહકાર વ્યવસ્થાને ફરી ચર્ચામાં લાવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્તર અમેરિકામાં સક્રિય ભારતીય મૂળના ગેંગો સામે અમેરિકન એજન્સીઓ સતત કાર્યવાહી કરી રહી છે. હવે પંજાબ પોલીસના એક અધિકારીની ધરપકડ બાદ આ કેસ વધુ ગંભીર વળાંક પર પહોંચ્યો છે.
હાલ ગુરિંદરજીત સિંહ નાગરાની પૂછપરછ ચાલી રહી છે અને તપાસ એજન્સીઓ આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ-કોણ સામેલ છે તેની વિગતો એકત્ર કરી રહી છે. બીજી તરફ, અમેરિકાની ઓપરેશન હાર્ડ બૉલ તપાસ હેઠળ આંતરરાષ્ટ્રીય ગેંગો સામે કાર્યવાહી યથાવત ચાલુ છે. આ કેસના આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.