૨26/11 મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ અને પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના હાફિઝ સઈદવિરુદ્ધ ભારતમાં કાયદાકીય ગાળિયો વધુ મજબૂત બન્યો છે. જમ્મુની એક વિશેષ અદાલતે પહેલગામ આતંકી હુમલાના કેસમાં હાફિઝ સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.
આ આદેશ બાદ હવે ભારતના નવા ફોજદારી કાયદા હેઠળ હાફિઝ સઈદની ગેરહાજરીમાં જ તેના પર કેસ ચલાવવાનો એટલે કે ‘ટ્રાયલ ઇન એબ્સન્સિયા’નો રસ્તો સાફ થઈ ગયો છે.
NIA ની રજૂઆત અને કોર્ટનો આદેશ
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા કોર્ટમાં એક વિશેષ અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં એનઆઈએ કોર્ટને જણાવ્યું કે હાફિઝ સઈદ હાલ પાકિસ્તાનમાં આશ્રય લઈ રહ્યો છે અને વર્તમાન પરિસ્થિતિમાં તેને ભારત લાવવાની તમામ કાયદાકીય શક્યતાઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. આરોપી જાણીજોઈને ભારતીય ન્યાયતંત્રથી ભાગી રહ્યો હોવાથી, નવા કાયદાની જોગવાઈઓ હેઠળ તેની ગેરહાજરીમાં જ મુકદ્દમાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, NIA એ ગત 6 જુલાઈના રોજ આ કેસમાં એક સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં હાફિઝ સઈદને પહેલગામ આતંકી હુમલાનો મુખ્ય માસ્ટરમાઇન્ડ દર્શાવવામાં આવ્યો છે. કોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખીને વોરંટ જાહેર કર્યું છે અને હવે તેને સત્તાવાર રીતે ભગોડો જાહેર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરાશે.
શું છે આ ‘ટ્રાયલ ઇન એબ્સન્સિયા‘?
ભારત સરકાર દ્વારા તાજેતરમાં અમલમાં મૂકવામાં આવેલા નવા ગુનાહિત કાયદાઓમાં આ ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે:
- જોગવાઈ: જો કોઈ આરોપી દેશ વિરોધી કે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોય, ભારતમાંથી ફરાર હોય અને જાણીજોઈને અદાલત સમક્ષ હાજર ન થતો હોય, છતાં તેની સામે પૂરતા પુરાવા ઉપલબ્ધ હોય, તો કોર્ટ તેની ગેરહાજરીમાં પણ ટ્રાયલ (કેસની સુનાવણી) ચલાવી શકે છે અને સજા સંભળાવી શકે છે.
- પ્રક્રિયા: આ માટે કોર્ટ સૌપ્રથમ આરોપીને હાજર કરવા માટે સમન અને વોરંટ જારી કરે છે. જો તે છતાં પણ આરોપી હાજર ન થાય, તો તેને કાયદેસર રીતે ભગોડો જાહેર કરવામાં આવે છે અને ત્યારબાદ તેની ગેરહાજરીમાં ન્યાયિક કાર્યવાહી આગળ ધપાવવામાં આવે છે.
ભારત વિરુદ્ધ આતંકવાદનો મુખ્ય ચહેરો
NIA ના સત્તાવાર રિપોર્ટ અનુસાર, હાફિઝ સઈદ દાયકાઓથી પાકિસ્તાની ધરતીનો ઉપયોગ કરીને ભારત વિરુદ્ધ અનેક મોટા આતંકી હુમલાઓનું ષડયંત્ર રચતો આવ્યો છે. પહેલગામ હુમલાનું કાવતરું પણ પાકિસ્તાનમાં જ ઘડાયું હતું, જેના પુરાવા તપાસ એજન્સી પાસે છે. પાકિસ્તાન દ્વારા સતત આતંકીઓને અપાતા સંરક્ષણ વચ્ચે ભારતની ન્યાય પ્રણાલી અટકે નહીં અને પીડિતોને ન્યાય મળે તે માટે આ નવો કાયદો અને કોર્ટનો આદેશ અત્યંત નિર્ણાયક સાબિત થશે.