Gujarat

ગિરનારમાં સિંહના હુમલા બાદ લેવાયા 4 મોટા નિર્ણયો, સીડી માર્ગ ‘સાયલન્સ ઝોન’ જાહેર

જૂનાગઢના ગિરનાર પર્વત પર સીડી માર્ગ પર સિંહે કરેલા ઘાતક હુમલામાં ખેડા જિલ્લાના 11 વર્ષીય નિર્દોષ બાળક મયુર ચૌહાણનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ અત્યંત દુઃખદ ઘટનાને પગલે રાજ્ય સરકાર અને વન વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા છે. સચિવાલય ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ રાજ્ય મંત્રી પ્રવિણ માળીની ઉપસ્થિતિમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં ગિરનાર આવતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેટલાક ઐતિહાસિક અને કડક નિર્ણયો લેવામાં આવ્યા છે.

ગિરનાર અને દાતાર સીડી માર્ગ સાયલન્સ ઝોનજાહેર

વન્યજીવો જંગલ વિસ્તારમાં માનવ હસ્તક્ષેપ અથવા ઘોંઘાટના કારણે હિંસક ન બને તે માટે મોટો નિર્ણય લેવાયો છે. હવેથી ગિરનાર અને દાતાર પર્વત પર જવાના સીડી માર્ગને સત્તાવાર રીતે ‘સાયલન્સ ઝોન’જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં યાત્રાળુઓ દ્વારા મોટેથી બૂમો પાડવા, ઘોંઘાટ કરવા, લાઉડસ્પીકર કે મ્યુઝિક સિસ્ટમ વગાડવા તેમજ વન્યજીવોને ખલેલ પહોંચાડે તેવી તમામ પ્રવૃત્તિઓ પર સખત પ્રતિબંધ રહેશે.

કાયમી ચેકપોસ્ટ અને 25 ટ્રેકર્સની તૈનાતી

ગિરનાર નવી સીડી માર્ગ પર અંદાજે 50માં પગથિયા નજીક બનેલી આ ઘટના ફરી ન બને તે માટે ગ્રાઉન્ડ લેવલ પર સુરક્ષા વધારવામાં આવી છે. વન્યજીવોની અવરજવરવાળા સંવેદનશીલ પોઈન્ટ્સ ઓળખી કાઢવામાં આવ્યા છે, જ્યાં વન વિભાગ કાયમી ચેકપોસ્ટ ઊભી કરશે. જો કોઈ હિંસક પ્રાણી સીડી માર્ગ તરફ આગળ વધશે, તો વન કર્મચારીઓ અગાઉથી જ યાત્રાળુઓને એલર્ટ કરી દેશે. સીડી માર્ગ પર 25 ખાસ તાલીમબદ્ધ ટ્રેકર્સને કાયમી ધોરણે તૈનાત કરાશે, જેઓ પગપાળા પેટ્રોલીંગ કરીને વન્યજીવોની સ્થિતિ પર સતત વોચ રાખશે.

થર્મલ ડ્રોન ટેકનોલોજીથી મોનિટરિંગ

વન વિસ્તારમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેખરેખ વધુ મજબૂત કરવામાં આવશે. રાત્રિના સમયે અથવા ગાઢ જંગલમાં જ્યારે સામાન્ય આંખોથી જોવું મુશ્કેલ હોય, ત્યારે સિંહો અને અન્ય હિંસક વન્યજીવોની ચોક્કસ હિલચાલને ટ્રેક કરવા માટે ‘થર્મલ ડ્રોન સર્વેલન્સ’શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.

કલેક્ટરના અધ્યક્ષસ્થાને વિશેષ કમિટી અને SOP

યાત્રાધામની સુરક્ષા વ્યવસ્થાને કાયમી અને વ્યવસ્થિત રૂપ આપવા માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક વિશેષ કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટીમાં વન વિભાગ, પોલીસ પ્રશાસન, જૂનાગઢ મહાનગરપાલિકા અને મંદિર ટ્રસ્ટ સહિતના તમામ વહીવટી વિભાગો સાથે સંકલન સાધીને એક સર્વગ્રાહી SOP તૈયાર કરવામાં આવશે. આ અંતર્ગત કટોકટીના સમયે તાત્કાલિક ઇમરજન્સી પ્રતિસાદ કેવી રીતે આપવો તેનું માળખું તૈયાર થશે. આ ઉપરાંત, યાત્રાળુઓ અને સ્થાનિક લોકો માટે વન્યજીવ વિસ્તારમાં કેવી રીતે વર્તવું, શું કરવું અને શું ન કરવું તે અંગે વ્યાપક જનજાગૃતિ અભિયાન અને ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવશે.

Most Popular

To Top