Gujarat

ઊંઝા એપીએમસીની ઐતિહાસિક સિદ્ધિ: ઊંઝાના જીરું અને વરિયાળીને મળ્યો વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત ‘GI Tag’

ગુજરાત અને દેશના મસાલા ઉદ્યોગ માટે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી એક બહુ મોટા અને ગૌરવશાળી સમાચાર સામે આવ્યા છે. એશિયાના સૌથી મોટા ગંજબજાર તરીકે ઓળખાતા અને વિશ્વ પ્રસિદ્ધ ઊંઝા એપીએમસી માર્કેટયાર્ડના બે મુખ્ય પાક જીરું અને વરિયાળીને ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે જીઆઈ ટેગએનાયત કરવામાં આવ્યો છે.

ચેન્નાઈ ખાતે આવેલી ભારત સરકારની ‘ભૌગોલિક ઉપદર્શન રજીસ્ટ્રી’ દ્વારા સત્તાવાર સિક્કા અને સહી સાથે આ પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા છે. આ ઐતિહાસિક સિદ્ધિથી ઊંઝા સહિત સમગ્ર પંથકના ખેડૂતો અને વેપારીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

રજીસ્ટ્રેશન અને સત્તાવાર વિગતો

આ ભૌગોલિક ઉપદર્શન ‘એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી, ઊંઝા’ ના નામે રજીસ્ટર કરવામાં આવ્યું છે.

  • ઊંઝા જીરું: ભૌગોલિક ઉપદર્શન સંખ્યા 1288 અને પ્રમાણપત્ર સંખ્યા 813 હેઠળ સત્તાવાર નોંધણી થઈ છે.
  • ઊંઝા વરિયાળી: ભૌગોલિક ઉપદર્શન સંખ્યા 1290 અને પ્રમાણપત્ર સંખ્યા 814 હેઠળ મંજૂરી મળી છે.

આ સફળ પ્રક્રિયા પૂર્ણ કરવામાં ગુજરાત સરકારના બાગાયત, કિસાન કલ્યાણ અને સહકારિતા નિર્દેશાલય, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તેમજ ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન દ્વારા મહત્વનો સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે.

GI Tag એટલે શું અને ઊંઝાને શું ફાયદો થશે?

ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલે આ સિદ્ધિ અંગે જણાવ્યું કે, “જીઆઈ ટેગ એ એક એવી ખાસ પેટન્ટ છે જે પ્રોડક્ટના બ્રાન્ડ નેમને ઊંઝાનું જ ઓરિજિનલ હોવાની વૈશ્વિક ઓળખ આપે છે. તે સાબિત કરે છે કે આ પ્રોડક્ટનું ઉત્પત્તિ સ્થાન કયું છે.”

આ ટેગ મળવાના કારણે બજારમાં નીચે મુજબના ક્રાંતિકારી બદલાવ જોવા મળશે:

  • 25% થી 30% સુધીનો ભાવ વધારો: આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યારે ઓરિજિનલ જીઆઈ ટેગ સાથેનો માલ વેચવામાં આવશે, ત્યારે ખેડૂતો અને વેપારીઓને સામાન્ય કરતાં 25 થી 30 ટકા સુધીના વધુ અને ઊંચા ભાવો મળી શકશે.
  • મિલાવટખોરી પર પ્રતિબંધ: ઊંઝા જીરું અને વરિયાળીના નામે બજારમાં થતો ખોટો દુરુપયોગ, મિલાવટખોરી અને ક્વોલિટી સાથે થતા ચેડાં હવે કાયદેસર રીતે અટકાવી શકાશે.
  • નિકાસમાં મોટો ઉછાળો: ભારતમાં મસાલા પાકોની નિકાસમાં મરચાં પછી બીજા ક્રમે સૌથી વધુ નિકાસ જીરાની થાય છે, જેનો મોટો હિસ્સો ઊંઝાથી જ વિદેશ જાય છે. આ ટેગ મળવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુણવત્તા બાબતે ઉભી થતી નાની-મોટી ફરિયાદો દૂર થશે અને વિદેશી ગ્રાહકોનો ભરોસો વધુ મજબૂત બનશે.

ટ્રેડિંગ વોલ્યુમ અને આવકમાં થશે જંગી વધારો

ઊંઝા એપીએમસીના ડિરેક્ટર અને પ્રખ્યાત વેપારી નરેન્દ્ર પટેલે આ નિર્ણયને આવકારતા જણાવ્યું છે કે, આ ઐતિહાસિક નિર્ણયથી આગામી સમયમાં માર્કેટયાર્ડમાં જીરું અને વરિયાળીની આવકો અને સપ્લાયમાં મોટો વધારો થશે. વૈશ્વિક સ્તરે નિકાસ વધવાથી ટ્રેડિંગ વોલ્યુમમાં જંગી ઉછાળો જોવા મળશે, જેનાથી ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મળશે અને ભારત સરકારને પણ મોટા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થશે. વર્ષો જૂના આ પરંપરાગત મસાલા માર્કેટ માટે આ જીઆઈ ટેગ ભવિષ્યમાં વેપારના નવા દ્વાર ખોલનારો સાબિત થશે.

Most Popular

To Top