અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા પરમાણુ કરાર કે યુદ્ધ વિરામ સમજૂતીને હજુ એક મહિનો પણ પૂરો થયો નથી ત્યાં જ આ ડીલનો કરુણ અંત આવી ગયો છે. આ વૈશ્વિક તણાવની વચ્ચે એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે કે, ઈરાને ચોરી છૂપીથી પોતાના એ પરમાણુ મથકોને ફરીથી સક્રિય અને બેઠા કરવાનું શરૂ કરી દીધું છે જેને થોડા સમય પહેલાં જ બોમ્બમારો કરીને તોડી પાડવામાં આવ્યા હતા.
અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએનના એક ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઈરાન તેના તબાહ થઈ ચૂકેલા પરમાણુ મથકો ફરી શરૂ કરવાની કોશિશ કરી રહ્યું છે. ‘ઇન્સ્ટિટ્યૂટ ફોર સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ સિક્યોરિટી’ સાથે મળીને કરવામાં આવેલા સેટેલાઇટ તસવીરોના વિશ્લેષણમાં આ ચોરી પકડાઈ ગઈ છે. આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની ડીલ રદ કરીને આ અઠવાડિયે ફરી નવા હુમલાના આદેશ આપી દીધા છે.
સેટેલાઇટ તસવીરોમાં કેદ થઈ ઈરાનની ચાલાકી
રિપોર્ટ અનુસાર, હાલમાં આખી દુનિયાની નજર ઈરાનના અતિ સંવેદનશીલ ‘પારચિન’ વિસ્તાર પર ટકેલી છે. આ એ જ જગ્યા છે જ્યાં ઈરાન પોતાના પરમાણુ હથિયારો માટેના વિસ્ફોટકો તૈયાર કરતું હોવાનું મનાય છે:આ વર્ષની શરૂઆતમાં જ્યારે અમેરિકા અને ઈઝરાયેલે સંયુક્ત લશ્કરી કાર્યવાહી કરી ત્યારે પારચિન સાઇટને ભારે નુકસાન થયું હતું. જો કે જૂન મહિનામાં જ્યારે અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતી લાગુ હતી, ત્યારે ઈરાને હુમલાથી થયેલા મોટા ખાડા અને નુકસાનને દુનિયાથી છુપાવવા માટે તેના પર ‘કામચલાઉ કવર’ નાખી દીધા હતા.હવે જુલાઈની જે નવી સેટેલાઇટ તસવીરો સામે આવી છે તેમાં દેખાય છે કે ઈરાને એ કામચલાઉ પડદા હટાવીને ત્યાં લોખંડની જાળીઓ લગાવી દીધી છે અને ત્યાં રિપેરિંગ તેમજ પુનઃનિર્માણનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે.
માત્ર પારચિન જ નહીં, આ વિસ્તારો પણ શંકાના ઘેરામાં
ઈરાનની આ શંકાસ્પદ ગતિવિધિઓ માત્ર એક જગ્યા પૂરતી મર્યાદિત નથી:
• પિકએક્સ માઉન્ટેન: રિપોર્ટમાં આ પહાડી વિસ્તારનો પણ ખાસ ઉલ્લેખ કરાયો છે, જેનો સીધો સંબંધ ઈરાનના ગુપ્ત પરમાણુ કાર્યક્રમ સાથે હોવાનું માનવામાં આવે છે. અહીં પણ નવી હલચલ જોવા મળી છે.
• મુખ્ય મથકો હજુ શાંત: રાહતની વાત એ છે કે ઈરાનના મુખ્ય પરમાણુ મથકો ગણાતા ઇસ્ફહાન, ફોર્ડો અને નતાંઝ હાલમાં આ નવી હલચલથી દૂર છે. ત્યાં કોઈ નવું બાંધકામ કે ફેરફારના સંકેતો મળ્યા નથી.
મિસાઇલ સ્ટોરેજ સેન્ટર્સ પર પણ કામ શરૂ
પરમાણુ મથકો ઉપરાંત સેટેલાઇટ તસવીરોમાં વધુ એક મોટો ખુલાસો એ થયો છે કે, ઈરાને તેના મિસાઈલ રાખવાના ગુપ્ત ગોદામો પર પણ સમારકામનું કામ શરૂ કરી દીધું છે. અમેરિકા અને તેના મિત્ર દેશો હંમેશાંથી ઈરાનની ખતરનાક મિસાઈલ ક્ષમતાને લઈને ચિંતા વ્યક્ત કરતા આવ્યા છે, મહત્વ નું છે કે તેવામાં મિસાઈલ સાઈટોનું ફરી સક્રિય થવું પશ્ચિમી દેશોની ઊંઘ ઉડાવવા માટે પૂરતું છે.આ નવા ઘટનાક્રમથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા સાથે કરાર ચાલુ હોવા છતાં ઈરાન પીઠ પાછળ પોતાની સૈન્ય તાકાત વધારવામાં વ્યસ્ત હતું, જેના કારણે હવે મધ્ય-પૂર્વમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાવા લાગ્યા છે.