India

સમુદ્રમાં ભારતનું નવું ‘બ્રહ્માસ્ત્ર’: ભારતીય નૌસેનામાં સામેલ થશે સ્ટીલ્થ વોરશિપ ‘મહેન્દ્રગિરી’, જાણો તેની ખાસિયતો

ભારતની દરિયાઈ સરહદોને વધુ અભેદ્ય અને સુરક્ષિત બનાવવા માટે ભારતીય નૌસેનામાં વધુ એક શક્તિશાળી હથિયાર ઉમેરાવા જઈ રહ્યું છે. સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ અને દુશ્મનની નજરોથી બચીને હુમલો કરવામાં માહિર એવી સ્ટીલ્થ ફ્રિગેટ ‘મહેન્દ્રગિરી’ને વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય નૌસેનામાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવશે.ગૌરવશાળી પ્રસંગે રક્ષામંત્રી રાજનાથ સિંહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

‘મહેન્દ્રગિરી’ હિંદ મહાસાગરમાં ભારતના પ્રભુત્વને મજબૂત કરવાની સાથે-સાથે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. આ અત્યાધુનિક યુદ્ધજહાજ પ્રોજેક્ટ-17A હેઠળ તૈયાર કરવામાં આવેલું નીલગિરી કેટેગરીનું છઠ્ઠું સ્ટીલ્થ ફ્રિગેટ છે. તેને નેવીના વોરશિપ ડિઝાઇન બ્યુરોએ ડિઝાઇન કર્યું છે, મુંબઈ સ્થિત મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે.

INS મહેન્દ્રગિરીની 3 સૌથી મોટી તાકાત
75% થી વધુ સ્વદેશી ટેકનોલોજી: આ યુદ્ધજહાજના નિર્માણમાં 75% થી વધુ ભારતીય ઉપકરણો અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ‘મેક ઇન ઇન્ડિયા’ના આ મહાઅભિયાનમાં દેશની નાની-મોટી અનેક MSME કંપનીઓએ પોતાનું યોગદાન આપ્યું છે, જેનાથી સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે રોજગારીની નવી તકો પણ ઊભી થઈ છે.

રડારની નજરમાં નહીં આવે (સ્ટીલ્થ ટેકનોલોજી): મહેન્દ્રગિરીની સૌથી મોટી ખાસિયત તેની અદ્યતન સ્ટીલ્થ ડિઝાઇન છે. તેની ખાસ બાહ્ય સંરચના અને મટીરિયલના કારણે દુશ્મનના રડાર, ઇન્ફ્રારેડ સેન્સર કે સોનાર સિસ્ટમ પણ તેને આસાનીથી પકડી શકશે નહીં. એટલે કે દુશ્મન માટે આ જહાજને ટાર્ગેટ કરવું લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે.

ઘાતક હથિયારોથી સજ્જ: આ વોરશિપમાં સપાટીથી સપાટી પર અને સપાટીથી હવામાં માર કરનારી અત્યાધુનિક મિસાઇલ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ઉપરાંત તેમાં એડવાન્સ ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ, એન્ટી-સબમરિન વોરફેર અને ઇન્ટીગ્રેટેડ કોમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમ પણ છે, જે તેને સમુદ્રની અંદર અને ઉપર એમ બંને તરફથી આવતા જોખમો સામે લડવા સક્ષમ બનાવે છે.

શું હોય છે આ ‘સ્ટીલ્થ ફ્રિગેટ’?
સ્ટીલ્થ ફ્રિગેટ એવા ખાસ યુદ્ધજહાજો છે જે યુદ્ધના મેદાનમાં ‘મિસ્ટર ઇન્ડિયા’ની જેમ કામ કરે છે:

ઓછો અવાજ અને ઓછી ગરમી: આ જહાજના એન્જિનની ગરમીને એવી રીતે કંટ્રોલ કરવામાં આવે છે કે દુશ્મનના હીટ-સીકિંગ સેન્સર્સ તેને ટ્રેક ન કરી શકે. તેના પ્રોપેલર્સ એટલો ઓછો અવાજ કરે છે કે સબમરિન પણ તેને શોધી શકતી નથી.
મલ્ટીપર્પઝ વોરશિપ: આ એક એવું ઓલરાઉન્ડર જહાજ છે જે હવાઈ હુમલા, દરિયાઈ યુદ્ધ અને સમુદ્રના પેટાળમાં છુપાયેલી દુશ્મનની સબમરિન – આ ત્રણેય ખતરાઓનો એકસાથે સામનો કરી શકે છે. તેના પર નેવીના હેલિકોપ્ટર્સ પણ લેન્ડ થઈ શકે છે.

જાણો શું છે ‘પ્રોજેક્ટ 17A’?
આ પ્રોજેક્ટ હેઠળ ભારતીય નૌસેના માટે કુલ 7 સ્ટીલ્થ ગાઇડેડ-મિસાઇલ ફ્રિગેટ બનાવવામાં આવી રહ્યા છે. જેમાંથી 4 મુંબઈના મઝગાંવ ડોક અને 3 કલકત્તાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ દ્વારા તૈયાર થઈ રહ્યા છે.આ પ્રોજેક્ટમાં ભારતની અંદર પહેલીવાર મોટા યુદ્ધજહાજોના નિર્માણ માટે ‘ઇન્ટીગ્રેટેડ કન્સ્ટ્રક્શન’ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ટેકનોલોજીમાં જહાજના અલગ-અલગ ભાગોને પહેલા અલગથી એસેમ્બલ કરવામાં આવે છે અને બાદમાં તેમને જોડીને આખું યુદ્ધપોત ઊભું કરાય છે. આનાથી સમયની ભારે બચત થાય છે અને ક્વોલિટી પણ બેસ્ટ મળે છે.

પૌરાણિક કનેક્શન
INS મહેન્દ્રગિરીનું નામ જે પર્વત પરથી રાખવામાં આવ્યું છે તેનું ભારતની સંસ્કૃતિમાં ઘણું ધાર્મિક મહત્વ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ઓડિશા અને આંધ્રપ્રદેશની સરહદ પર આવેલો મહેન્દ્રગિરી પર્વત ભગવાન પરશુરામની પવિત્ર તપોભૂમિ હતો અને રામાયણમાં પણ આ સ્થળનો સુંદર ઉલ્લેખ મળે છે. ભારતીય નૌસેના હંમેશાં પોતાના શક્તિશાળી જહાજોના નામ દેશના ઐતિહાસિક પર્વતો, નદીઓ અને વિરાસતો પર રાખે છે, જે આપણી સૈન્ય પરંપરા અને સાંસ્કૃતિક ઓળખ બંનેને ગૌરવ પ્રદાન કરે છે.

Most Popular

To Top