Vadodara

શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર

ગુજરાત બોર્ડનો નિર્ણય હવે 4 નહીં, 3 ભાષા ભણાશે,કુલ 10 વિષય ફરજિયાત

કોમ્પ્યુટર કે વોકેશનલમાંથી એક વિષય પસંદ કરવો પડશે,અંગ્રેજી દ્વિતીય ભાષા તરીકે યથાવત

( પ્રતિનિધિ )વડોદરા,તા.29

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ-9ના અભ્યાસક્રમમાં મોટો ફેરફાર કર્યો છે. શૈક્ષણિક વર્ષ 2027-28થી રાજ્યની તમામ શાળાઓમાં નવું વિષય માળખું લાગુ થશે. જેમાં વ્યક્તિ અને સમાજજીવન નામનો તદ્દન નવો વિષય ઉમેરવામાં આવ્યો છે.

નવા માળખા મુજબ હવે વિદ્યાર્થીઓએ 4ના બદલે 3 ભાષાનો જ અભ્યાસ કરવાનો રહેશે.જોકે કુલ વિષયોની સંખ્યા અંગ્રેજી માધ્યમની જેમ જ 10 યથાવત્ રાખવામાં આવી છે. ગુજરાતી માધ્યમની શાળાઓમાં અંગ્રેજી અને અંગ્રેજી માધ્યમમાં ગુજરાતી દ્વિતીય ભાષા તરીકે ભણાવવાનું ચાલુ રહેશે. નવા માળખામાં સમાવિષ્ટ 10 ફરજિયાત વિષયોમાં પ્રથમ ભાષા – શાળાના માધ્યમની ભાષા, દ્વિતીય ભાષા – ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી, અંગ્રેજી માધ્યમમાં ગુજરાતી, તૃતીય ભાષા – હિન્દી, સંસ્કૃત, ઉર્દૂ, ફારસી, અરબી, હિબ્રૂ કે ફ્રેન્ચમાંથી કોઈ એક, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, વ્યક્તિ અને સમાજજીવન, વિજ્ઞાન-ટેક્નોલોજી આધારિત એક વિષય, યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, વ્યાવસાયિક શિક્ષણ અથવા કોમ્પ્યુટર. વ્યક્તિ અને સમાજજીવન’ વિષયનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સમાજીક વ્યવહારો, નાગરિકબોધ અને મૂલ્યશિક્ષણ કેળવવાનો છે. ઉપરાંત, દરેક વિદ્યાર્થીએ વોકેશનલ અથવા કોમ્પ્યુટરમાંથી કોઈ એક વિષયની પસંદગી ફરજિયાત કરવાની રહેશે. શારીરિક શિક્ષણને પણ નવા માળખામાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. બોર્ડના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ પર ભાષાનો બોજો ઘટશે અને વ્યવહારુ જ્ઞાન તેમજ કૌશલ્ય વિકાસ પર વધુ ભાર મૂકી શકાશે.

Most Popular

To Top