વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઔદ્યોગિક વિકાસનો મેગા બ્લૂપ્રિન્ટ
મુખ્યમંત્રીની 3,611 એકરમાં નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ વિકસાવવાની જાહેરાત
વડોદરા, તા. 29:
વડોદરામાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના સંતુલિત ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કુલ 3,611 એકર વિસ્તારમાં નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ વિકસાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આ પહેલથી રોકાણ આકર્ષવા, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને રોજગારીની નવી તકો ઊભી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
મધ્ય ગુજરાત સહિત આઠ સ્થળોએ નવા સ્માર્ટ GIDC વિકસશે
જાહેરાત મુજબ ખેડા જિલ્લાના મહિજ (130.3 એકર), સરખેજ (332.7 એકર), મહિસા (18.5 એકર) અને અંઘાડી (310.9 એકર) ખાતે નવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ વિકસાવવામાં આવશે. ઉપરાંત અમદાવાદ જિલ્લાના માંડલ (515.2 એકર), પંચમહાલ જિલ્લાના નદીસર (105.5 એકર), છોટાઉદેપુર જિલ્લાના ઉંડવા (247.1 એકર) તથા ભાવનગર જિલ્લાના મોણપુર (1,950.7 એકર) ખાતે પણ આધુનિક સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ ઊભા કરાશે.
રોકાણ, રોજગારી અને પ્રાદેશિક વિકાસને મળશે વેગ
રાજ્ય સરકારના આ નિર્ણયથી મધ્ય ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાં નવા ઔદ્યોગિક રોકાણને પ્રોત્સાહન મળશે. નવી ઉત્પાદન એકમો, પૂરક ઉદ્યોગો અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ સાથે સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો સર્જાશે. સાથે જ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઔદ્યોગિક વિકાસનું સંતુલન જાળવવામાં પણ આ આયોજન મહત્વપૂર્ણ સાબિત થશે.