મુખ્યમંત્રીના હસ્તે 150થી વધુ સ્ટોલ ધરાવતા પ્રદર્શનનું ઉદ્ઘાટન; મધ્ય ગુજરાતની ઔદ્યોગિક શક્તિનું પ્રદર્શન
વડોદરા, તા. 29:
વડોદરાના GSFC યુનિવર્સિટી ખાતે યોજાયેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ’ દરમિયાન અત્યાધુનિક પ્રદર્શનનો ભવ્ય પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય વીજ મંત્રી મનોહરલાલ ખટ્ટર, હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી, આદિજાતિ રાજ્યમંત્રી નરેશ પટેલ અને મુખ્ય સચિવ મનોજકુમાર દાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદર્શનના ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી અને મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈને પ્રદર્શનકારો સાથે સંવાદ કર્યો અને તેમના નવતર પ્રયાસોને બિરદાવ્યા.

વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ઇનોવેશન અને ઉદ્યોગોની ભવ્ય ઝલક
પ્રદર્શનમાં મધ્ય ગુજરાતના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને સરકારી સંસ્થાઓના 150થી વધુ સ્ટોલ્સ ગોઠવવામાં આવ્યા છે, જેમાં અદ્યતન ટેક્નોલોજી, ગ્રીન એનર્જી, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ અને સરકારી યોજનાઓની ઝાંખી જોવા મળી રહી છે.

ગ્રીન એનર્જીથી AI સુધી નવીનતાની ઝલક
પ્રદર્શનના મુખ્ય આકર્ષણોમાં—
ગ્રીન એનર્જી ક્ષેત્રે ટોપ્સન એનર્જી, વિવિયાના પાવર ટેક અને કર્મા સોલર
ટેક્નોલોજી અને AI ક્ષેત્રે Retner.AI, Spark School AI અને SmartNode Automation
કૃષિ ક્ષેત્રે પોલીસીલ ઇરિગેશન સિસ્ટમ્સ
ફૂડ પ્રોસેસિંગમાં મોડર્ન ઇન્ડિયા ફૂડ્સ
સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે i-Hub અને સ્ટાર્ટઅપ ઝોન
હેન્ડીક્રાફ્ટ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની વિવિધ કંપનીઓ
એ ખાસ આકર્ષણ જમાવ્યું છે.

સરકારી યોજનાઓની પણ ઝાંખી
પ્રદર્શન દરમિયાન ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ (GSFC), વડોદરા મહાનગરપાલિકા (VMC) અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન સહિતની સરકારી સંસ્થાઓએ પોતાની યોજનાઓ અને વિકાસલક્ષી પહેલોનું પ્રદર્શન કર્યું છે.
આ પ્રદર્શન મધ્ય ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતા, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ટેક્નોલોજી આધારિત વિકાસને વૈશ્વિક રોકાણકારો સમક્ષ રજૂ કરતું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બન્યું છે.