પૂર્વ વડાપ્રધાન ઈન્દ્રકુમાર ગુજરાલના પુત્ર અને પૂર્વ રાજ્યસભા સાંસદ નરેશ ગુજરાલ સાથે કરોડો રૂપિયાની સાયબર ઠગાઈનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સાયબર ઠગોએ નરેશ ગુજરાલના નામ અને ફોટાનો ઉપયોગ કરીને તેમના એક વિશ્વાસુ કર્મચારીને છેતર્યો અને આશરે 7.80 કરોડની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી. જોકે, સમયસર ફરિયાદ થતા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 4 કરોડની રકમ ફ્રીઝ કરવામાં સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ, ઠગોએ સૌથી પહેલા નરેશ ગુજરાલના ફોટાનો ઉપયોગ કરીને એક ફેક વૉટ્સએપ પ્રોફાઇલ તૈયાર કરી હતી. ત્યારબાદ તેમણે ગુજરાલના ફાઇનાન્સ વિભાગમાં કામ કરતા એક કર્મચારીનો સંપર્ક કર્યો હતો. મેસેજમાં જણાવાયું હતું કે તેઓ એક મહત્વપૂર્ણ મીટિંગમાં વ્યસ્ત છે અને તાત્કાલિક કેટલીક ચૂકવણી કરવાની જરૂર છે. પ્રોફાઇલ પર નરેશ ગુજરાલનો ફોટો જોઈ કર્મચારીએ મેસેજને સાચો માની લીધો હતો. ઠગોના સૂચન મુજબ 12 જૂનથી 16 જૂન વચ્ચે ચાર અલગ-અલગ RTGS ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 7.80 કરોડની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે કર્મચારીને ટ્રાન્ઝેક્શન અંગે શંકા જવા લાગી. તેણે આ બાબત નરેશ ગુજરાલની પુત્રી દીક્ષાના ધ્યાન પર મૂકી હતી. દીક્ષાએ તરત જ પોતાના પિતાનો સંપર્ક કર્યો અને તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમણે કોઈ પણ પ્રકારનો એવો મેસેજ મોકલ્યો જ નહોતો. ઠગાઈની જાણ થતાં જ પરિવાર દ્વારા તાત્કાલિક નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મળતા જ સંબંધિત એજન્સીઓ અને પોલીસ હરકતમાં આવી ગઈ હતી. ઝડપી કાર્યવાહીથી ઠગાયેલા પૈસામાંથી લગભગ 4 કરોડની રકમ ફ્રીઝ કરવામાં સફળતા મળી છે. હાલ તપાસ એ દિશામાં ચાલી રહી છે કે બાકીની રકમ કયા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થઈ છે અને તેની પાછળ કોણ જવાબદાર છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે આજના ડિજિટલ યુગમાં માત્ર પ્રોફાઇલ ફોટો કે નામ જોઈને કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ કરવો જોખમી બની શકે છે. સાયબર ઠગો હવે ઓળખ ચોરી અને ફેક પ્રોફાઇલ બનાવીને લોકોને નિશાન બનાવી રહ્યા છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ કોઈ પણ વ્યક્તિ વૉટ્સએપ, SMS અથવા અન્ય ડિજિટલ માધ્યમથી તાત્કાલિક પૈસા માંગે તો સૌથી પહેલા ફોન કોલ કરીને તેની પુષ્ટિ કરવી જોઈએ. ખાસ કરીને મોટા નાણાકીય વ્યવહારોમાં ડબલ વેરિફિકેશન અને ડબલ એપ્રુવલ જેવી વ્યવસ્થા રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે. સાયબર સુરક્ષા નિષ્ણાતો એ પણ સલાહ આપે છે કે બેંક ખાતાની વિગતો, ચુકવણી સંબંધિત સૂચનાઓ અને મેસેજની સત્યતા હંમેશા અલગ માધ્યમથી ચકાસવી જોઈએ. માત્ર DP અથવા મેસેજના આધારે કોઈ પણ પ્રકારની નાણાકીય કાર્યવાહી કરવી જોખમી સાબિત થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બને તો ગભરાવાની જરૂર નથી. સૌથી પહેલા 1930 હેલ્પલાઈન પર સંપર્ક કરવો જોઈએ અથવા સત્તાવાર સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી જોઈએ. સમયસર ફરિયાદ નોંધાવવાથી રકમ ફ્રીઝ થવાની અને પૈસા પાછા મળવાની શક્યતા ઘણી વધી જાય છે. આ ઘટના માત્ર એક હાઈપ્રોફાઈલ પરિવાર સાથે થયેલી ઠગાઈ નથી, પરંતુ દરેક વ્યક્તિ અને સંસ્થા માટે ચેતવણી સમાન છે કે ડિજિટલ દુનિયામાં સાવચેતી જ સૌથી મોટી સુરક્ષા છે.