National

અરવિંદ કેજરીવાલ માતા-પિતા અને પત્ની સાથે રાહ જોતા રહ્યા, પરંતુ દિલ્હી પોલીસ પહોંચી નહીં

નવી દિલ્હી: સ્વાતિ માલીવાલના (Swati Maliwal) કથિત મારપીટના કેસની તપાસ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) ઘર સુધી પહોંચી હતી. દિલ્હી પોલીસ (Delhi Police) ગુરુવારે અરવિંદ કેજરીવાલના માતા-પિતા અને તેમની પત્ની સુનીતા કેજરીવાલની પૂછપરછ (Inquiry) માટે પહોંચે તેવી સંભાવના છે.

પૂછપરછને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલ સીએમ આવાસ પર રોકાયા હતા અને પોલીસની રાહ જોઈ રહ્યા હતા. અગાઉ કેજરીવાલના માતા-પિતાએ પોલીસને પૂછપરછ માટે 11:30 વાગ્યાનો સમય આપ્યો હતો. પરંતુ પોલીસની ટીમ કેજરીવાલના ઘરે આ સમયે પહોંચી ન હતી. જેથી કેજરીવાલે સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ ઉપર પોસ્ટ કરી હતી. તેમજ જણાવ્યું હતું કે તેઓ પોલીસની રાહ જોઇ રહ્યા છે. પરંતુ તેમના તરફથી કોઇ જાણકારી પણ આપવામાં આવી નથી.

આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે દાવો કર્યો હતો કે પોલીસ ગુરુવારે તેમના વૃદ્ધ માતા-પિતાની પૂછપરછ કરવા આવશે. તેમણે પૂછપરછનું કારણ જણાવ્યું ન હતું. પરંતુ એવી આશંકા છે કે આમ આદમી પાર્ટી (AAP) રાજ્યસભાના સભ્ય સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના સંદર્ભમાં દિલ્હી પોલીસ તેમના નિવાસસ્થાને પૂછપરછ માટે આવશે.

કેજરીવાલના માતા-પિતાએ પોલીસને સમય આપ્યો
મળતી માહિતી મુજબ સીએમ કેજરીવાલના માતા-પિતાએ પોલીસને સમય આપ્યો હતો. કેજરીવાલના માતા-પિતાએ પોલીસને સવારે 11:30 વાગ્યે આવવા કહ્યું હતું. બીજી બાજુ દિલ્હીમાં આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. જેના કારણે AAPના મોટા નેતાઓ અને સંકલન સમિતિની ટીમ સીએમ હાઉસની બેઠક માટે આવશે.

AAP પર અત્યાચારનો આરોપ
સ્વાતિ માલીવાલ હુમલા કેસમાં અરવિંદ કેજરીવાલના માતા-પિતાની પૂછપરછ થઈ શકે છે. આ સાથે જ દિલ્હી પોલીસ સુનિતા કેજરીવાલની પણ પૂછપરછ કરી શકે છે. માતા-પિતાની પૂછપરછને લઈને કેજરીવાલના દાવા બાદ આખી આમ આદમી પાર્ટી મેદાનમાં આવી ગઈ છે. તેમજ પાર્ટી પર અત્યાચારના આરોપો લગાવી રહી છે. દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશી સિંહે આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન મોદી અરવિંદ કેજરીવાલના બીમાર અને વૃદ્ધ માતા-પિતાને ટોર્ચર કરી રહ્યા છે.

પીએમ મોદી પર સંજય સિંહનું નિશાન
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે વિપક્ષ ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકીય દ્વેષમાં એટલા નીચા પડી ગયા છે કે તેમણે પહેલા દિલ્હી સરકારના મંત્રીઓની ધરપકડ કરાવી અને પછી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરાવી હતી. આજે તમામ હદ વટાવીને તેઓએ અરવિંદ કેજરીવાલના વૃદ્ધ અને બીમાર માતા-પિતાને પોલીસ સાથે મળીને હેરાન કરવાનું આયોજન કર્યું છે.

કેજરીવાલે 10 દિવસ બાદ આ મામલે મૌન તોડ્યું હતું
સ્વાતિ માલીવાલ પર થયેલા હુમલા બાબતે 10 દિવસ સુધી ચૂપ રહ્યા બાદ આખરે સીએમ અરવિંદ કેજરીવાલે પોતાનું મૌન તોડ્યું હતું. પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં કેજરીવાલે કહ્યું છે કે સ્વાતિ સાથે મારપીટની ઘટના તેમની સામે બની નથી. આ સમગ્ર મામલામાં બે બાજુ છે. પોલીસે તેમની નિષ્પક્ષ તપાસ કરી ન્યાય આપવો જોઈએ. કેજરીવાલે કહ્યું કે આ મામલો હાલમાં કોર્ટમાં છે, તેથી તે આ મામલા પર વધુ કહેવા માંગતા નથી.

Most Popular

To Top