Vadodara

સમા કેનાલ પાસે વાહનચાલક-પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી, પોલીસે થપ્પડ મારી!

દંડ ભરવા તૈયાર હોવા છતાં PSIએ હાથચાlaકી કરી હોવાનો વાહનચાલકનો આક્ષેપ, ઘટનાને પગલે સ્થળ પર હોબાળો મચ્યો

વડોદરા તા.19
વડોદરા શહેરના સમા કેનાલ વિસ્તારમાં વાહનચાલક અને પોલીસકર્મી વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં હાજર PSI દ્વારા વાહનચાલકને થપ્પડ મારવામાં આવી હોવાના દૃશ્યો સામે આવતા ચર્ચા જાગી છે. વાહન ચાલકે પીએસઆઇ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રાફિક સંબંધિત કાર્યવાહી દરમિયાન વાહનચાલક અને પોલીસ વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી શરૂ થઈ હતી. ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં હાજર PSIએ વાહનચાલક સાથે હાથચાલાકી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વાહનચાલક અને સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ નિયમ મુજબ દંડ ભરવા તૈયાર હતા, છતાં તેમની સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં પોલીસ અને વાહનચાલક વચ્ચે ઉગ્ર વાદવિવાદ તેમજ ધક્કામુક્કીના દૃશ્યો જોવા મળતા હોવાનું કહેવાય છે. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા એકત્ર થઈ જતા થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસ વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જોકે વાયરલ વીડિયો બાદ સમગ્ર મામલે તપાસ થાય તેવી માંગ ઉઠી રહી છે.

Most Popular

To Top