Vadodara

ડેસર વાલાવાવ રોડ પરથી મળેલા મૃતદેહ કેસમાં યુવકની હત્યા કરાઇ હોવાનો ઘટસ્ફોટ

ખેતર પાસે ઉભા રહેવા મુદ્દે થયેલા ઝઘડામા બે જૂથ વચ્ચે મારામારી, યુવકને માથામાં ફટકો મારતા મોત થયુ હતું

પોલીસે મહિલાઓ સહિત નવ લોકો સામે ગુનો નોંધ્યો, ચાર આરોપીઓ ડીટેન

વડોદરા ગ્રામ્ય, તા. 8

ડેસર વાલાવાવ રોડ પરથી મળી આવેલા મૃતદેહનું પીએમ કરાવતા શરીર પર ઇજાના નિશાન મળ્યા હતા જેમાં તેની હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે, મહિલા અને પુરુષ ખેતર પાસે ઉભા હોય તે બાબતે વિવાદ થયા બાદ બે જૂથ વચ્ચે હિંસક મારામારી થઈ હતી. લાકડીઓ તથા વાસી જેવા હથિયારથી હુમલો કરતા એક યુવકનું મોત નિપજ્યું હતુ. ડેસર પોલીસે ચાર પુરુષો અને પાંચ મહિલાઓ સહિત નવ આરોપીઓ સામે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ચાર જેટલા આરોપીઓને ડીટેઇન કર્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ, 4 જૂનની રાત્રે વાલાવાવથી ડેસર જવાના રોડ પર મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા શરૂઆતમાં અકસ્માત મોતની નોંધ કરવામાં આવી હતી, પરંતુ ડેસર પોલીસે પોસ્ટમોર્ટમ કરાવતા રિપોર્ટમાં માથાની ઇજાઓને કારણે મોત થયાનું સામે આવતા હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે ચાર જૂનના રોજ સંજરી બેકરી નજીક નિલેશ ઉર્ફે સનો પરમાર અને શિલ્પાબેન ખેતર પાસે વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન નસરૂ રાઉલ, સમીર રાઉલ, ઇરફાનભાઈ, સદામ રાઉલ તથા તેમના પરિવારની કેટલીક મહિલાઓ ત્યાં પહોંચી હતી. ખેતરમાં કેમ ઉભા હતા તેમ કહેવા લાગ્યા હતા ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બનતા બંને પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો. જેમા લાકડીઓ અને વાસી જેવા હથિયારો સાથે નિલેશ અને શિલ્પાબેનનો પીછો કરી હુમલો કરવામા આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર નરસિંહ પરમાર, અતુલ ઉર્ફે કાદર પરમાર, વનરાજ પરમાર અને દીપક પરમાર સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે આરોપીઓએ તેમના પર પણ હુમલો કર્યો હતો.
હુમલા દરમિયાન ધર્મેશ પરમારને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે ઇજાઓ ગંભીર હોવાથી તેનું મોત નિપજ્યું હતું.
મુકેશભાઈ રમેશભાઈ પરમારની ફરિયાદના આધારે ડેસર પોલીસે નસરૂ રાઉલ, સમીર રાઉલ, ઇરફાન, સદામ રાઉલ તથા ચારથી પાંચ અજાણી મહિલાઓ સામે હત્યા, મારામારી અને જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ કોઈ ચાર જેટલા આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યા હોવાનુ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

Most Popular

To Top