Vadodara

વડોદરા : કેનેડાના પીઆરના સપના બતાવી ઠગ એજન્ટે વેપારીને રૂ.12.57 લાખનો ચુનો ચોપડયો

પુત્રીને કેનેડાનું પીઆર અપાવવાની લાલચ આપી ખંભાતના વેપારી સાથે ઠગાઈ, નકલી વિઝા સ્ટીકર સહિતના ડોક્યુમેન્ટ પધરાવ્યા

વડોદરા, તા. 8

વિદેશમાં સ્થાયી થવાના સપના જોતા લોકો માટે વધુ ને વધુ છેત્તરપિંડી ના કિસ્સાનો થઈ રહ્યા છે છે. ખંભાતના એક વેપારીની પુત્રીને કેનેડાનું પર્મેનન્ટ રેસિડન્સ (PR) અપાવવાના બહાને વડોદરાના વિઝા કન્સલ્ટન્ટે રૂ. 12.57 લાખ રૂપિયા પડાવી નકલી વિઝા સ્ટીકર સહિતના ડોક્યુમેન્ટ પધરાવી દેવામાં આવ્યા હતા.
આણંદ જિલ્લાના ખંભાત ખાતે રહેતા વેપારી સચીન કનુભાઈ ઝવેરીની પુત્રી જાનવી લંડનમાં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરતી હતી. આ દરમિયાન ઓળખાણ મારફતે વડોદરાના છાણી જકાતનાકા વિસ્તારમાં ઓફિસ ધરાવતા વિઝા કન્સલ્ટન્ટ ક્રિશ્ચિયન લીયો ઉર્ફે સેલ્વીન મેકવાનનો સંપર્ક થયો હતો. આરોપીએ જાનવીને કેનેડાનું પી.આર. અપાવી આપવાની ખાતરી આપી સમગ્ર પ્રક્રિયા માટે રૂ.35 લાખ ખર્ચ થવાનો હોવાનું જણાવ્યું હતું.
આશ્વાસનોમાં આવી વેપારી અને તેમના પરિવારજનોએ અલગ-અલગ હપ્તામાં ઓનલાઈન ટ્રાન્સફર, ગૂગલ પે તેમજ રોકડ મળી કુલ રૂ.15.07 લાખ આરોપીને ચૂકવ્યા હતા. ત્યારબાદ આરોપીએ ઇમિગ્રેશન સંબંધિત દસ્તાવેજો અને કેનેડાના વિઝાનું સ્ટીકર મોકલ્યું હતું. જોકે દસ્તાવેજોની વિશ્વસનીયતા અંગે શંકા જતા વિદેશમાં રહેતા ઓળખીતાઓ મારફતે તપાસ કરાવવામાં આવી હતી. તપાસમાં વિઝા સ્ટીકર અને સંબંધિત દસ્તાવેજો નકલી હોવાનું બહાર આવ્યું હતું.
છેતરપિંડીનો ભાંડો ફૂટતાં વેપારીએ આરોપીનો સંપર્ક કરી રૂપિયા પરત માંગ્યા હતા. શરૂઆતમાં આરોપીએ ભૂલ સ્વીકારી રૂપિયા પરત આપવાની ખાતરી આપી હતી અને વિવિધ હપ્તામાં રૂ.2.50 લાખ પરત પણ આપ્યા હતા. પરંતુ ત્યારબાદ બાકીના રૂ.12.57 લાખ પરત આપવાને બદલે સંપર્ક તોડી નાખ્યો હતો.
આખરે વેપારીએ પોલીસનો આશરો લેતા આરોપી વિઝા કન્સલ્ટન્ટ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ભૂમિકા, લેવડદેવડના પુરાવા તથા નકલી દસ્તાવેજોની તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top