મોક્સી ગામમાં રૂપિયાની લેતી-દેતી મુદ્દે બોલાચાલી ઉગ્ર બનતા મારામારીનો બનાવ
જાનથી મારી નાખવાની ધમકી આપનાર બે આરોપીઓની ભાદરવા પોલીસે ઝડપી પાડ્યા
વડોદરા, તા. 8
સાવલી તાલુકાના મોક્સી ગામમાં પાણી અને લાઇટ બિલના બાકી નાણાંની ઉઘરાણી કરવા જતાં બે ભાઈઓ પર હુમલો કરવામાં આવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બે શખ્સોએ બંને ભાઈઓને માર મારી તેમના શરીર પર બચકા ભરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હુમલા બાદ બંનેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.
મળતી માહિતી મુજબ, મોક્સી ગામના મસ્જિદવાડા ફળિયામાં રહેતા ગોપાલભાઈ પુંજાભાઈ સોલંકી અને તેમના ભાઈ પુંજાભાઈ સોલંકી 7 જૂનની સાંજે હર્ષદ છત્રસિંહ સોલંકી અને કલ્પેશભાઈ છત્રસિંહ સોલંકી પાસેથી પાણી અને લાઇટ બિલના બાકી નાણાં માંગવા ગયા હતા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
બોલાચાલી દરમિયાન મામલો વધુ વણસતા હર્ષદ અને કલ્પેશ સોલંકી ઉશ્કેરાઈ ગયા હતા અને બંને ભાઈઓ પર હુમલો કર્યો હતો. ફરિયાદ મુજબ આરોપીઓએ ગોપાલભાઈ અને પુંજાભાઈના શરીર પર આડેધડ બચકા ભરી ઇજાગ્રસ્ત કર્યા હતા. હુમલા દરમિયાન બંનેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં ભાદરવા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ફરિયાદના આધારે ગુનો નોંધી બંને આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે.