Vadodara

સાયરન ગૂંજ્યા છતાં એમ્બ્યુલન્સને ન મળ્યો રસ્તો, દર્દીઓ અને સ્વજનોના જીવ થયા અધ્ધર

કોન્ટ્રાક્ટરની બેદરકારી: ટ્રાફિકના ચક્કરમાં અટવાયો જીવનમાર્ગ: ગોત્રી હોસ્પિટલ બહાર જામમાં ફસાઈ એમ્બ્યુલન્સ

સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ગોત્રીમાં ટ્રાફિક વ્યવસ્થા ભંગાર; કાયમી ઉકેલની ઉઠી માંગ

(પ્રતિનિધિ), વડોદરા, તા. 8

વડોદરાના ગોત્રી વિસ્તારમાં વિકાસના દાવાઓ વચ્ચે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વિકરાળ બની રહી છે. ખાસ કરીને ગોત્રી હોસ્પિટલની બહાર રોજ સર્જાતા ટ્રાફિક જામના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સવારે સર્જાયેલા ચક્કાજામ દરમિયાન દર્દીને લઈને જઈ રહેલી એક એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ જતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી. કોન્ટ્રાકટર દ્વારા ચાલતા કામમાં રસ્તો પણ પાઇપ ખડકી દેવાતા સાંકડા થઈ ગયેલા માર્ગને લીધે ટ્રાફિક થયો હતો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ એમ્બ્યુલન્સના સાયરન સતત ગૂંજી રહ્યા હતા, પરંતુ રસ્તા પર વાહનોની લાંબી કતારો અને અવ્યવસ્થિત ટ્રાફિકને કારણે તેને આગળ વધવા માટે જગ્યા મળી રહી નહોતી. એક તરફ એમ્બ્યુલન્સના સાયરન અને બીજી તરફ વાહનોના હોર્નનો ઘોંઘાટ વચ્ચે દર્દીના સ્વજનો ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા. જીવન બચાવવા માટેનો દરેક સેકન્ડ મહત્વનો હોવા છતાં ટ્રાફિકની સમસ્યાએ દર્દીના સમય સાથે રમત રમી હોવાનું જોવા મળ્યું હતું.

સ્થાનિકોના જણાવ્યા મુજબ ગોત્રી વિસ્તારનો રહેણાંક અને વ્યાપારી વિકાસ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ ઝડપથી થયો છે, પરંતુ તે મુજબ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાફિક મેનેજમેન્ટની કોઈ અસરકારક યોજના અમલમાં મૂકાઈ નથી. ગેરકાયદેસર પાર્કિંગ, માર્ગ પરના દબાણો અને ટ્રાફિક નિયંત્રણમાં રહેલી ખામીઓના કારણે ગોત્રી હોસ્પિટલનો મુખ્ય માર્ગ હવે અકસ્માત અને અવ્યવસ્થાનું કેન્દ્ર બની ગયો છે.

નાગરિકોનું કહેવું છે કે હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારની આસપાસ ટ્રાફિકની આવી સ્થિતિ અત્યંત ગંભીર છે. એમ્બ્યુલન્સને સમયસર રસ્તો ન મળતાં ‘ગોલ્ડન અવર’ ગુમાવવાનો ભય સતત રહે છે, જે દર્દીના જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે. તેમ છતાં ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશન દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.

આ ઘટનાએ ફરી એકવાર સ્માર્ટ સિટીના દાવાઓ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે શું કોઈ મોટી દુર્ઘટના અથવા જાનહાનિ બાદ જ તંત્રની ઊંઘ ઉડશે? ગોત્રી હોસ્પિટલ બહાર સર્જાતી ટ્રાફિક સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા માટે લોકોમાં માંગ પ્રબળ બની રહી છે.

Most Popular

To Top