World

અમેરિકામાં ગ્રીન કાર્ડનો માર્ગ બંધ કરવાનો પ્રસ્તાવ: યુએસ કોંગ્રેસમાં રજૂ થયેલા નવા બિલથી ભારતીયો ચિંતામાં

અમેરિકામાં સ્થાયી થવા માંગતા લાખો ભારતીયો અને ખાસ કરીને આઇટી (IT) ક્ષેત્રના પ્રોફેશનલ્સ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. યુએસ કોંગ્રેસમાં સત્તાધારી રિપબ્લિકન પક્ષના એક વરિષ્ઠ સાંસદ દ્વારા એવો કડક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે જે ગ્રીન કાર્ડ મેળવીને અમેરિકામાં કાયમી વસવાટ કરવાનો માર્ગ કાયમ માટે બંધ કરી શકે છે. તાજેતરમાં જ ભારતના પ્રવાસે આવેલા અમેરિકાના વિદેશ પ્રધાન માર્ક રૂબિયોએ ખાતરી આપી હતી કે વિઝાના નિયમોમાં એવા કોઈ ફેરફાર નહીં કરવામાં આવે જેનાથી માત્ર ભારતીયોને જ નિશાન બનાવવામાં આવે. જોકે, તેમના જ પક્ષના સાંસદના આ નવા પ્રસ્તાવથી ભારતીય સમુદાયને મોટો આંચકો લાગ્યો છે, કારણ કે આ બિલની સૌથી વિપરીત અસર ભારતીયો પર જ પડવાની છે.

આ વિવાદાસ્પદ પ્રસ્તાવ ટેક્સાસના કટ્ટરવાદી રિપબ્લિકન સાંસદ ચિપ રોય દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, જેઓ હાલમાં ટેક્સાસમાં એટર્ની જનરલના પદ માટેના મજબૂત દાવેદાર પણ છે. ચિપ રોયનું માનવું છે કે છેલ્લા લગભગ ૪૦ વર્ષથી એચ-૧બી (H-1B) વિઝાનો મોટાપાયે દુરુપયોગ થઈ રહ્યો છે. મોટી કંપનીઓ અમેરિકાના સ્થાનિક કામદારોને નોકરીમાંથી હાંકી કાઢીને તેમના સ્થાને વિદેશથી આવતા સસ્તા શ્રમિકોને પ્રાધાન્ય આપે છે. કંપનીઓ આ પ્રક્રિયાને ‘સામૂહિક છટણી’ (Mass Layoffs) જેવું રૂપાળું નામ આપે છે, જેના કારણે અમેરિકન નાગરિકોની વેતનવૃદ્ધિ અટકી જાય છે. ચિપ રોયે સ્પષ્ટ કર્યું કે હવે આ લોટરી આધારિત વિઝા સિસ્ટમનો અંત લાવવાનો સમય આવી ગયો છે. તેના સ્થાને ‘મેરિટ’ એટલે કે લાયકાતને અગ્રતા આપવી જોઈએ, જેથી અમેરિકાના વ્હાઇટ કોલર વર્કર્સના હિતોનું રક્ષણ થઈ શકે. આ પ્રસ્તાવ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ (અમેરિકા પ્રથમ) નીતિને એકદમ સુસંગત હોવાનું માનવામાં આવે છે.

આ બિલમાં માત્ર કાયમી નાગરિકત્વ મેળવવાનો રસ્તો જ બંધ નથી કરાયો, પરંતુ એચ-૧બી વિઝા મેળવવાની આખી પ્રક્રિયાને મૂળમાંથી બદલી નાખવાની જોગવાઈ છે. આ પ્રસ્તાવ મુજબ, હવેથી એચ-૧બી વિઝા માટે અરજી કરનારે એ સાબિત કરવું પડશે કે તે પોતાના મૂળ દેશનું નાગરિકત્વ જાળવી રાખશે અને તેને કાયમ માટે છોડવાનો તેનો કોઈ ઈરાદો નથી. આ જોગવાઈ અમેરિકાની વર્ષો જૂની વિઝા નીતિથી સાવ વિપરીત છે. અત્યાર સુધી એવો નિયમ હતો કે કોઈ પણ વિદેશી નાગરિક અમેરિકામાં કામ કરવાની સાથે સાથે ત્યાંના કાયમી નાગરિકત્વ (ગ્રીન કાર્ડ) માટેની કાનૂની પ્રક્રિયા પણ ચાલુ રાખી શકતો હતો.

બિલમાં કરવામાં આવેલી અન્ય મુખ્ય ભલામણો પણ ભારે મુશ્કેલી ઊભી કરનારી છે. તે મુજબ, એચ-૧બી વિઝાનો મહત્તમ સમયગાળો હાલના 6 વર્ષથી ઘટાડીને માત્ર 2 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે. આ સિવાય, ગ્રીન કાર્ડ પ્રોસેસિંગની રાહ જોઈ રહેલા વિઝાધારકોના સ્ટેટસને લંબાવવાની (એક્સ્ટેન્ડ કરવાની) વર્તમાન જોગવાઈને સંપૂર્ણપણે નાબૂદ કરવાની વાત કહી છે. વિઝા ફાળવણી માટે હાલની લોટરી પદ્ધતિ બંધ કરીને માત્ર ઊંચું વેતન આપતી કંપનીઓની અરજીઓને જ પ્રાધાન્ય અપાશે અને નવા અરજદારો પર 1 લાખ ડોલરની ભારે ફી લાદવામાં આવી શકે છે. એટલું જ નહીં, વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરો થયા પછી અમેરિકામાં નોકરી કરવા માટે જે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) જેવી છૂટછાટો મળતી હતી, તેને પણ બંધ કરવાનો પ્રસ્તાવ છે.

અમેરિકાના ટેક વર્કર્સ એસોસિએશનના પ્રમુખ કેવિન લિને આ બિલને સમર્થન આપતા જણાવ્યું છે કે આ કાયદો કોર્પોરેશનો, યુનિવર્સિટીઓ અને એનજીઓ (NGO) દ્વારા અમેરિકાના પ્રતિભાશાળી કારીગરોની જગ્યાએ સસ્તા વિદેશી કામદારોને રાખવાની નીતિ પર રોક લગાવશે. બિલના સહ-પ્રાયોજક અને એરિઝોનાના રિપબ્લિકન કોંગ્રેસમેન એલી ક્રેને પણ દાવો કર્યો છે કે આ કાયદો અમેરિકાની ભાવિ પેઢીના રોજગારનું રક્ષણ કરશે. આ બિલને હાલમાં અમેરિકન ટેક વર્કરો, ‘ધ ઇમિગ્રેશન એકાઉન્ટેબિલિટી પ્રોજેક્ટ’ અને ‘ધ ફેડરેશન ઓફ અમેરિકન ઇમિગ્રેશન રિફોર્મ’ જેવી શક્તિશાળી સંસ્થાઓનું પીઠબળ મળી રહ્યું છે, જે કાયદેસરના માઇગ્રેશન પ્રોગ્રામો પર કડક નિયંત્રણો લાવવાની ટ્રમ્પ સરકારની નીતિને વેગ આપશે.

Most Popular

To Top