ઉત્તર ભારતના પહાડી રાજ્યો જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં કુદરતી આફતોની સતત ઘટનાઓને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં છેલ્લા ચાર દિવસ દરમિયાન ચાર અલગ-અલગ સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ નોંધાઈ છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં એક જ રાત્રે ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. આ બંને રાજ્યોમાં પ્રશાસન એલર્ટ પર છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ, ડોડા અને રિયાસી જેવા પહાડી વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદને કારણે અનેક સ્થળોએ ભુસ્ખલનનો ખતરો વધી ગયો છે. સૌથી વધુ ચિંતા કિશ્તવાડ જિલ્લામાં જોવા મળી રહી છે, જ્યાં માત્ર ચાર દિવસમાં ચાર વખત વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવી છે. વાદળ ફાટવાની ઘટનામાં ખૂબ ઓછા સમયમાં ભારે વરસાદ પડતો હોવાથી અચાનક પૂર અને ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાય છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસને કેટલાક મહત્વપૂર્ણ ધાર્મિક પ્રવાસો અને યાત્રાઓ પર અસ્થાયી રોક લગાવી છે. ખાસ કરીને મચૈલ માતા અને મિંધલ માતાની યાત્રા પર જતાં શ્રદ્ધાળુઓને હાલ માટે યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે પહાડી વિસ્તારોમાં જમીન ભીની થઈ જવાથી ગમે ત્યારે ભુસ્ખલન થઈ શકે છે, જે યાત્રાળુઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. પ્રશાસન દ્વારા સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને નદીઓ, નાળાઓ અને જોખમી પહાડી વિસ્તારોની નજીક ન જવાની સૂચના પણ આપવામાં આવી છે. બચાવ અને રાહત ટીમોને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે જેથી કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં ઝડપથી કાર્યવાહી કરી શકાય.
એક તરફ, હિમાચલ પ્રદેશમાં પણ કુદરતનો કોપ જોવા મળ્યો છે. રાજ્યમાં એક જ રાત્રે ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. પ્રથમ અને સૌથી શક્તિશાળી આંચકો રાત્રે લગભગ 10 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 નોંધાઈ હતી. ત્યારબાદ રાત્રે 11 વાગ્યે 2.8 અને 11:52 વાગ્યે 3.0 તીવ્રતાના વધુ બે આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાઓ બાદ અનેક વિસ્તારોમાં લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. ઘણા લોકો રાતભર ખુલ્લા મેદાનો અને સુરક્ષિત સ્થળોએ રહ્યા હતા. કેટલાક વિસ્તારોમાં મકાનો અને અન્ય માળખાઓને નુકસાન પહોંચ્યાના અહેવાલો પણ સામે આવ્યા છે. જોકે, જાનહાનિ અંગેની માહિતી હજુ સુધી મર્યાદિત છે.
ભૂકંપના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. સ્થાનિક પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ પર નજર રાખી છે. નિષ્ણાતોનું કહેવું છે કે પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને ભૂકંપ બંને સાથે થવાથી ભુસ્ખલનનું જોખમ વધુ વધી જાય છે. જ્યારે કાશ્મીર ઘાટીમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની સ્થિતિ છે, ત્યારે જમ્મુના મેદાની વિસ્તારોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. હવામાનમાં આ પ્રકારનો વિરોધાભાસ પણ ચિંતાનો વિષય બન્યો છે. હવામાન વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા, સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને અનાવશ્યક પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવી છે. આગામી કેટલાક દિવસો સુધી હવામાન પર ખાસ નજર રાખવામાં આવશે, કારણ કે ભારે વરસાદ અને ભૂકંપ પછીની પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.