Vadodara

ડીન પર હુમલાના પ્રયાસ બાદ કોમર્સ ફેકલ્ટીમાં રોષ: કાળા કપડાં અને પટ્ટી ધારણ કરી સ્ટાફનો મૌન વિરોધ

શૈક્ષણિક સ્ટાફની સુરક્ષાનો મુદ્દો ગરમાયો, શિક્ષકોની ગરિમા સાથે બાંધછોડ નહીં કરવાની ચેતવણી
વિરોધ છતાં એડમિશન પ્રક્રિયા યથાવત, કેમ્પસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

વડોદરા, તા. 4
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ડીન પ્રજ્ઞેશ શાહ સાથે થયેલી ઘર્ષણ અને હુમલાના પ્રયાસની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. ઘટનાના વિરોધમાં તેમજ શૈક્ષણિક સ્ટાફની સુરક્ષાના મુદ્દે ડીન સહિત તમામ ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફે ગુરુવારે કાળા કપડાં અને કાળી પટ્ટી ધારણ કરી મૌન વિરોધ નોંધાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રવેશ પ્રક્રિયામાં સર્જાયેલી ટેકનિકલ ખામીઓ મુદ્દે ABVP દ્વારા કરવામાં આવેલી રજૂઆત દરમિયાન ડીન અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ડીન પર હાથ ઉપાડવાનો પ્રયાસ થયો હોવાનું સામે આવતા સમગ્ર શૈક્ષણિક વર્તુળમાં ભારે રોષ ફેલાયો છે.

જોકે, સ્ટાફે વિદ્યાર્થીઓના હિતને પ્રાથમિકતા આપતા પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા જાળવી રાખી હતી. વિરોધ પ્રદર્શન સાથે જ એડમિશન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલુ રાખવામાં આવી હતી, જેથી પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી યુનિવર્સિટી પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું છે. ગુરુવાર સવારથી જ કોમર્સ ફેકલ્ટીના મુખ્ય મકાન સહિત સમગ્ર કેમ્પસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ એડમિશનની કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.
એસીઓજી ડી.જે. ચાવડા તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈએ જાતે કોમર્સ ફેકલ્ટીની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સ્ટાફના સભ્યોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓમાં ગુંડાગીરી કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. કાળી પટ્ટી ધારણ કરીને તેમણે શિક્ષકોની સુરક્ષા અને માન-મર્યાદા જાળવવા માટે મજબૂત સંદેશ આપ્યો હતો.
ડીન પ્રજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે, “અમે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છીએ, તેથી વિરોધ વચ્ચે પણ એડમિશન પ્રક્રિયા ચાલુ રાખી છે. પરંતુ શિક્ષકો પર હાથ ઉપાડવાની ઘટના અક્ષમ્ય છે. યુનિવર્સિટી પ્રશાસન અને પોલીસે સુરક્ષાની ખાતરી આપી છે. અમારી ઈચ્છા છે કે કેમ્પસમાં શિક્ષણનું સ્વસ્થ વાતાવરણ જળવાઈ રહે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.”

Most Popular

To Top