તીવ્ર પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ
ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી મોટું નુકસાન ટળ્યું, 15થી વધુ વાહનો સુરક્ષિત ખસેડાયા
(પ્રતિનિધિ) વડોદરા, તા.29
વડોદરાના અટલાદરા વિસ્તારમાં ખિસકોલી સર્કલ નજીક આવેલી નિર્માણાધીન હોસ્પિટલની સાઈટ પર આજે અચાનક આગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી. સાઈટ પર રાખવામાં આવેલા પ્લાસ્ટિક સહિતના જ્વલનશીલ મટીરીયલમાં આગ ભભૂકી ઊઠતા જોતજોતામાં ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા.
તીવ્ર પવનના કારણે આગ ઝડપથી ફેલાતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે ખિસકોલી સર્કલ અને આસપાસના માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગે પાણીનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની અસર નજીક આવેલા મારુતિ વર્કશોપ સુધી પહોંચે તેવી શક્યતા ઊભી થઈ હતી, પરંતુ વર્કશોપના મેનેજર દીપક શર્માએ સમયસૂચકતા દાખવી અંદાજે 15થી વધુ વાહનોને સુરક્ષિત સ્થળે ખસેડી દીધા હતા.
વર્કશોપના કર્મચારીઓએ પણ સતર્કતા દાખવી કામગીરી હાથ ધરતાં સંભવિત મોટું આર્થિક નુકસાન ટળી ગયું હતું. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.