Vadodara

વડોદરા પાલિકા દ્વારા પ્રી-મોન્સુન કામગીરીના ભાગરૂપે આધુનિક FDR પદ્ધતિથી રોડનું પેચવર્ક પૂર્ણ

દક્ષિણ ઝોનના વોર્ડ નં.16 ના રહીશો અને હજારો વાહનચાલકોને ઉબડ-ખાબડ રસ્તાઓમાંથી મળી મુક્તિ

(પ્રતિનિધિ), વડોદરા. તા.27

વડોદરા શહેરના નાગરિકોની સુખાકારી અને સુરક્ષિત વાહન વ્યવહારને પ્રાથમિકતા આપવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલાં જ એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનના ઇજનેરોની ટીમ દ્વારા પ્રી-મોન્સુન કામગીરીના ભાગરૂપે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું છે.

વડોદરા કોર્પોરેશનના દક્ષિણ ઝોન હેઠળ આવતા વોર્ડ નં.16 ના વિસ્તારો જેવા કે, કુબેરેશ્વર રોડ, અમર શ્રદ્ધાની સામેનો ભાગ, મનનપાર્ક રોડ, દર્શનમ એન્ટીકા પાસે, નિલાંબર આંગણ પાસે. આ તમામ વિસ્તારોમાં પાણીના લીકેજની દુરસ્તીના કારણે પડેલા ખાડાઓ તેમજ ગત ચોમાસા દરમિયાન રસ્તાઓ ધોવાઈ જવાને કારણે માર્ગો અત્યંત અસમતલ અને ઉબડ-ખાબડ બની ગયા હતા. આ ખરાબ રસ્તાઓને લીધે અહીંથી પસાર થતા હજારો વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો અને અકસ્માતનો ભય પણ સતાવતો હતો.

દર વર્ષે ચોમાસામાં રોડ તૂટી જવાની આ સમસ્યાના કાયમી અને ટેકનિકલ નિવારણ માટે VMCની ઇજનેર ટીમ દ્વારા પરંપરાગત પદ્ધતિના બદલે આધુનિક ‘ફુલ ડેપ્થ રિસ્ટોરેશન’ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટેકનોલોજી અંતર્ગત રસ્તા પરના ખરાબ અને અસમતલ પેચોને માત્ર ઉપરછલ્લા સાંધવાને બદલે, તેને સંપૂર્ણ ઊંડાઈ સુધી દૂર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાં અત્યંત મજબૂત પેચિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટેકનિકલ અભિગમને કારણે રસ્તાઓની મજબૂતાઈ અને આયુષ્યમાં મોટો વધારો થશે.

કોર્પોરેશનની આ સફળ કામગીરીને પગલે હવે ઉપરોક્ત તમામ સ્થળો પર રોડની સપાટી સંપૂર્ણપણે સમતલ અને સુગ્રથિત બની ગઈ છે. ચોમાસું નજીક છે ત્યારે આ પ્રી-મોન્સુન કામગીરી સમયસર પૂર્ણ થતાં વિસ્તારના રહીશોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. હવે અહીંથી પસાર થતા હજારો વાહનચાલકોને ખાડા મુક્ત, અવિરત અને સલામત ડ્રાઈવિંગનો શ્રેષ્ઠ અનુભવ મળશે.

Most Popular

To Top