એક વર્ષથી ભયજનક જાહેર બિલ્ડિંગમાં જીવના જોખમે ધમધમતી કચેરીઓ; સરકારી મિલકતો ભંગાર ભેગી કરાઈ
વડોદરા: એક તરફ શહેરમાં મ્યુનિસિપલ કમિશનર, પદાધિકારીઓ અને કાઉન્સિલરો સ્વચ્છતા અભિયાન હેઠળ જાતે ઝાડુ હાથમાં પકડીને સફાઈના મોટા-મોટા દાવાઓ કરી રહ્યા છે, પરંતુ આ સરકારી દાવાઓની પોકળતા ખુદ સરકારી કચેરીઓમાં જ છતી થઈ રહી છે. શહેરના હાર્દ સમાન કુબેર ભવન ખાતે સરકારી બાબુઓની ઘોર બેદરકારી અને આળસ સામે આવી છે, જ્યાં ખુદ તંત્ર જ સ્વચ્છતાના લીરેલીરા ઉડાવી રહ્યું છે.

કુબેર ભવન પરિસરમાં છેલ્લા 6 મહિનાથી ગંદકી અને કચરાનું સામ્રાજ્ય સ્થપાયું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ કચરાના ઢગલામાં મોટાભાગે પ્લાસ્ટિકની પાણીની બોટલો અને ચાના કપ જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો સાબિત કરે છે કે અહીં બહારના લોકો નહીં, પરંતુ ખુદ પીડબલ્યુડી માર્ગ અને મકાન વિભાગ તેમજ અન્ય સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ જ ગંદકી ફેલાવી રહ્યા છે. ‘સ્વચ્છ ભારત’ના નારા લગાવતા ઉચ્ચ અધિકારીઓની નાક નીચે જ આખું પરિસર કચરાપેટી બની ગયું છે.

ગંદકીની સાથે-સાથે સરકારી મિલકતોના ઘોર દુરુપયોગ અને વેડફાટનો મામલો પણ સામે આવ્યો છે. કુબેર ભવનના પરિસરમાં અંદાજે 6થી 7 સરકારી વૈભવી ગાડીઓ ધૂળ ખાતી ભંગાર હાલતમાં મુકી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ વાહનો માત્ર સામાન્ય રિપેરિંગ કરવાથી સરસ રીતે ચાલી શકે તેમ છે. પરંતુ તંત્રના અધિકારીઓ નવી ગાડીઓ ખરીદવાના મોહમાં અંધ બન્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. જનતાના ટેક્સના પૈસાથી ખરીદાયેલી લાખો રૂપિયાની ગાડીઓને જાણીજોઈને ભંગારમાં ફેરવી નાખી, સરકારી નાણાંનો બેફામ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ સમગ્ર મામલામાં સૌથી ગંભીર અને ચોંકાવનારી બાબત એ છે કે, તંત્ર દ્વારા આ કુબેર ભવન બિલ્ડિંગને છેલ્લા એક વર્ષથી ‘ભયજનક’ જાહેર કરવામાં આવી છે. આ બિલ્ડિંગ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી જર્જરિત હાલતમાં હોવા છતાં, વહીવટી તંત્રના પેટનું પાણી હલતું નથી. કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતા હોય તેમ, જીવના જોખમે આ ભયજનક બિલ્ડિંગમાં જ તમામ સરકારી ઓફિસો ધમધમી રહી છે. અહીં રોજ પોતાના કામ અર્થે સેંકડો ગરીબ અને મધ્યમવર્ગીય અરજદારો આવે છે, જેમના જીવ અત્યારે તાળવે ચોંટ્યા છે.

આમ, એક તરફ ગંદકી, બીજી તરફ સરકારી મિલકતોની બરબાદી અને ત્રીજી તરફ સેંકડો નિર્દોષ નાગરિકોના જીવ સાથે રમત રમાઈ રહી છે. આ સુરક્ષા ક્ષતિઓ સુધારવા, ગંદકી સાફ કરવા અને સરકારી મિલકતોના દુરુપયોગ કરનારા જવાબદારો સામે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.