એક દિવસ ટીચર વર્ગમાં આવ્યા અને વર્ગનાં ૫૦ બાળકોને ૨૫ ૨૫ ના બે ગ્રુપમાં વહેંચી દીધાં અને સૌથી પહેલાં તેઓ એક ગ્રુપને લઈને એક રૂમમાં ગયા અને કહ્યું, ‘‘આજે એક કૈંક નવું શીખવાની કોમ્પીટીશન છે. અહીં ‘પોટરી’ એટલે કે કુંભાર કામનાં બધાં સાધનો છે. માટી ,ચાકડો, પાણી વગેરે. તમારે જાતે એક સરસ મજાનો ઘડો બનાવવાનો છે, જે એકદમ પર્ફેક્ટ હોવો જોઈએ અને તમારી પાસે પાંચ કલાકનો સમય છે. પછી ટીચર બીજાં ૨૫ બાળકોના ગ્રુપને લઈને બીજા રૂમમાં ગયા અને કહ્યું, ‘‘આજે એક કૈંક નવું શીખવાની કોમ્પીટીશન છે. અહીં ‘પોટરી’ એટલે કે કુંભાર કામનાં બધાં સાધનો છે. માટી ,ચાકડો, પાણી વગેરે. તમારે જેટલા બને એટલા ઘડા બનાવવાના છે ભલે તે ઘડા જેવા બને તેવા, ભલે પર્ફેક્ટ ન હોય, ચાલો શરૂ થઈ જાવ. તમારી પાસે પાંચ કલાકનો સમય છે.’’
બંને ગ્રુપને જુદા જુદા રૂમમાં એકસરખાં સાધનો, એક સરખો સમય પણ અલગ અલગ સૂચનાઓ આપી શિક્ષક પોતાના કામે લાગી ગયા.પાંચ કલાક પછી શિક્ષક પહેલા રૂમમાં ગયા અને જોયું તો એક પણ ઘડો બન્યો ન હતો, ચારે બાજુ સમાન હતો. ઘણા અધૂરા ઘડા હતા પણ પર્ફેકટ તો છોડો એક પણ ઘડો બનીને તૈયાર ન હતો.શિક્ષકે કહ્યું, ‘‘આ શું પાંચ કલાકમાં તમે ૨૫ જણ મળીને એક પર્ફેક્ટ ઘડો ન બનાવી શક્યા? આમ કેમ? શું કર્યું પાંચ કલાક?’’
એક છોકરાએ માથું નીચું રાખી કહ્યું, ‘‘સર, અમને માફ કરો. તમે કહ્યું હતું કે એકદમ પર્ફેક્ટ ઘડો બનવો જોઈએ એટલે અમે પર્ફેક્ટ માટી તૈયાર કરવામાં ઘણો સમય વેડફ્યો, પછી ઘડો બનાવવાની શરૂઆત કરી પણ ક્યારેક તડ પડી જાય, ક્યારેક ઘડાનો આકાર બરાબર ન આવે, કયારેક કોતરણી અને ડીઝાઇનમાં ભૂલ થાય. આમ અમે મહેનત કરી પણ એક પણ ઘડો પર્ફેક્ટ બનાવી ન શક્યા.’’
શિક્ષક બીજા રૂમમાં ગયા, જોયું તો ૨૫ બાળકોએ ૫ કલાકમાં નાના મોટા જુદા જુદા આકારના લગભગ ૧૫૦ ઘડા તૈયાર કરી નાખ્યા હતા તેમાંથી બધા ભલે પર્ફેક્ટ ન હતા પણ ૨૫ થી ૩૦ ઘડાના આકાર કે ડીઝાઇન બરાબર ન હતી પણ છતાં તે સરસ લાગી રહ્યા હતા અને બાકીના બધા ઘડા એકદમ સરસ અને સુંદર લગભગ પર્ફેક્ટ હતા.દરેક બાળક પોતે કયો ઘડો બનાવ્યો છે અને પહેલાં કયો બન્યો પછી બીજો ,ત્રીજો બરાબર બન્યો ની વાતો પોતે બનાવેલા ઘડા બતાવી ઉત્સાહથી કહી રહ્યો હતો. શિક્ષક પણ ખુશ થઈ ગયા.
શિક્ષકે કહ્યું, ‘‘આ મજા આવે તેવી કોમ્પીટીશનમાં એક વાત શીખવાની છે કે જીવનમાં પર્ફેક્શન જરૂરી છે પણ એટલું જરૂરી નથી કે પર્ફેક્શન મેળવવામાં કોઈ કામ જ ન થાય, બધું પર્ફેક્ટ તૈયાર થાય પછી કામ કરીશું તેમ નહિ પણ તરત જ કામ કરવાની શરૂઆત કરો, ધીમે ધીમે કામ કરતાં કરતાં પર્ફેક્શન પણ મેળવી શકાશે.’’ શિક્ષકે સાચી સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.