Comments

ક્યારે ખતમ થશે યુએસ-ઈરાન યુદ્ધ અને ભારત પર તેની શું અસર પડશે?

ભારત એ બાબત માટે ખૂબ જ આતુર છે કે અમેરિકા અને ઈરાન તેમનું યુદ્ધ સમાપ્ત કરે જેથી તેલનો પુરવઠો અને કિંમત સ્થિર થઈ શકે અને ઊર્જા-સંકટનો અંત આવે. અઠવાડિયાના રાજદ્વારી પ્રયાસો અને સફળતાના દાવાઓ પછી પણ યુએસ-ઈરાન શાંતિકરાર હજી પણ મડાગાંઠમાં ફસાયેલો છે.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે એક માળખું ‘મોટા ભાગે વાટાઘાટો દ્વારા નક્કી’થઈ ગયું છે અને સાઉદી અરેબિયા, કતાર, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને પાકિસ્તાન સહિતના દેશો સાથે ચર્ચાઓ ચાલી રહી છે.

ઈરાનનું કહેવું છે કે, કેટલાક મોટા વિવાદો હજી ઉકેલાયા નથી.ઈરાન ભારપૂર્વક કહે છે કે, તે હોર્મુઝ પરથી પોતાનું નિયંત્રણ છોડશે નહીં અને યુરેનિયમ સંવર્ધન અંગેની યુએસની માગણીઓ સ્વીકારી નથી. ઈરાન કોઈ પણ મોટા પ્રમાણમાં બાંધછોડ કરતાં પહેલાં પ્રતિબંધોમાંથી રાહત અને તેની જપ્ત થયેલી સંપત્તિઓ સુધી પહોંચ પણ ઇચ્છે છે. આ કરાર ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂની દખલગીરી, લેબનોનને લઈને મતભેદો અને જમીની સ્તરે કોઈ પણ યુદ્ધવિરામ વાસ્તવમાં કેવી રીતે કામ કરશે તે અંગેની અનિશ્ચિતતાને કારણે પણ જટિલ બન્યો છે. જો કે, બંને પક્ષો કહે છે કે, પ્રગતિ થઈ છે, પરંતુ અધિકારીઓ એ પણ સ્વીકારે છે કે તેઓ કરારથી ‘ખૂબ નજીક અને ખૂબ દૂર’બન્ને સ્થિતિમાં છે.

ટૂંકમાં, યુએસ-ઈરાન શાંતિકરાર નીચેના કારણોસર અટકેલો છે:
1.      હોર્મુઝની સામુદ્રધુની અંગે હજી પણ અસંમતિ છે – યુએસ કોઈ પણ પ્રતિબંધ વિના જહાજોની મુક્ત અવરજવર ઇચ્છે છે, જ્યારે ઈરાન આ જળમાર્ગ પર પોતાનું નિયંત્રણ અને દેખરેખ રાખવા ઇચ્છે છે. જો કે, ઈરાન ઇચ્છે છે કે નૌકાદળની નાકાબંધી હટાવી લેવામાં આવે. 2.     ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે સંઘર્ષ છે – યુએસ અને ઈઝરાયેલ ઇચ્છે છે કે, ઈરાન યુરેનિયમ સંવર્ધન બંધ કરે અને ઉચ્ચ સ્તરે સંવર્ધિત યુરેનિયમ છોડી દે, પરંતુ ઈરાન અત્યારે આ પ્રકારની પ્રતિબદ્ધતાઓ જાહેર કરવાનો ઇનકાર કરી રહ્યું છે.

3.     પ્રતિબંધોમાંથી રાહતનો વિવાદ પણ છે – ઈરાન ઇચ્છે છે કે, યુએસના પ્રતિબંધો હળવા કરવામાં આવે અને ઈરાનનું જપ્ત કરવામાં આવેલું ફંડ તાત્કાલિક મુક્ત કરવામાં આવે, જ્યારે યુએસનું કહેવું છે કે ઈરાન શરતો પૂરી કરશે ત્યાર પછી જ રાહત આપવામાં આવશે. 4.     હજી સુધી કોઈ અંતિમ કરાર થયો નથી. કારણ કે, યુદ્ધ સમાપ્ત કરવાનો વર્તમાન પ્રસ્તાવ માત્ર એક માળખું અથવા મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (એમઓયુ) છે. સૌથી મુશ્કેલ મુદ્દાઓને ભવિષ્યની વાટાઘાટો માટે મુલતવી રાખવામાં આવ્યા છે. 5.     ઈઝરાયેલનો વિરોધ અને સુરક્ષાની ચિંતાઓ છે – ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ ઇચ્છે છે કે ઈરાનની પરમાણુ ક્ષમતાઓ સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવે, જેને ઈરાન નકારી કાઢે છે.

6.     લેબનોન અને પ્રાદેશિક સંઘર્ષો સાથે જોડાયેલા મુદ્દાઓ વણઉકેલાયેલા છે – ઈરાન ઇચ્છે છે કે આ ડીલમાં લેબનોન સહિત સમગ્ર ક્ષેત્રમાં ચાલી રહેલી લડાઈનો અંત લાવવાનો સમાવેશ થાય; પરંતુ ઈઝરાયેલ હજી પણ હિઝબુલ્લાહનાં લક્ષ્યો પર હુમલો કરવાની સ્વતંત્રતા ઇચ્છે છે. 7.     બંને પક્ષો વચ્ચે પરસ્પર વિશ્વાસનો અભાવ છે – ઈરાને જણાવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ૨૦૧૫ના પરમાણુ કરારમાંથી પીછેહઠ કરી તે પછી તેઓ યુએસ પર વિશ્વાસ કરતા નથી. 8.     પહેલાં કોણ નમતું જોખશે તે અંગે પણ મતભેદો છે – ઈરાન ઇચ્છે છે કે પ્રતિબંધો પહેલાં હટાવવામાં આવે, જ્યારે યુએસ કહે છે કે ઈરાને પહેલાં હોર્મુઝની સામુદ્રધુની ખોલવી પડશે અને પરમાણુ શરતો પૂરી કરવી પડશે.

ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો છે કે, ઈરાને ‘સમજવું જ પડશે’કે તે પરમાણુ હથિયાર વિકસાવી શકે નહીં ત્યારે ઈરાને પણ વારંવાર કહ્યું છે કે, તેનો પરમાણુ કાર્યક્રમ માત્ર શાંતિપૂર્ણ હેતુઓ માટે છે. આખરે આ યુદ્ધ કેવી રીતે શરૂ થયું? ૨૮ ફેબ્રુઆરીના રોજ યુએસ અને ઈઝરાયેલે ઈરાન પર વ્યાપક હુમલાઓ શરૂ કર્યા, જેનાથી સમગ્ર મધ્ય પૂર્વમાં યુદ્ધ ફાટી નીકળ્યું. ઈરાને ઈઝરાયેલ અને ગલ્ફમાં યુએસના સાથી દેશો પર વળતો હુમલો કરીને અને હોર્મુઝની સામુદ્રધુનીને અસરકારક રીતે બંધ કરીને જવાબ આપ્યો, જ્યાંથી વિશ્વના લગભગ ૨૦% તેલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી)નું પરિવહન થાય છે. આ પગલાંથી વૈશ્વિક સ્તરે તેલના ભાવ આસમાને પહોંચી ગયા.

એપ્રિલની શરૂઆતમાં યુદ્ધવિરામની સંમતિ સધાયાના ટૂંક સમય બાદ યુએસએ ઈરાનનાં બંદરોની નાકાબંધી કરી દીધી, જેના વિશે ટ્રમ્પ કહે છે કે, ‘‘તે જ્યાં સુધી કરાર ન થાય, પ્રમાણિત ન થાય અને તેના પર હસ્તાક્ષર ન થાય ત્યાં સુધી સંપૂર્ણ રીતે લાગુ રહેશે.’’ સત્ય એ છે કે, હોર્મુઝની સામુદ્રધુની એ સૌથી મોટો વિવાદ છે. યુએસ-ઈરાન શાંતિ વાટાઘાટોમાં તે સૌથી મોટો અવરોધક મુદ્દો છે. તે એક મુખ્ય વૈશ્વિક તેલ માર્ગ છે જે વિશ્વના લગભગ પાંચમા ભાગના તેલ અને એલએનજી વહન કરે છે.

ટ્રમ્પ કહે છે કે, આ કરાર હેઠળ હોર્મુઝની સામુદ્રધુની ખોલવામાં આવશે, પરંતુ ઈરાન આ વાતને નકારી કાઢે છે અને કહે છે કે તે ઈરાનની દેખરેખ હેઠળ રહેશે અને યુએસના દાવાઓ ‘વાસ્તવિકતાથી અસંગત’છે. યુએસ કોઈ પણ ટોલ (ટેક્સ) વિના મુક્ત અવરજવર ઇચ્છે છે, જ્યારે ઈરાન નિયંત્રણ અને ટ્રાન્ઝિટ ફી વસૂલવાની શક્યતા ઇચ્છે છે. યુદ્ધ દરમિયાન પેદા થયેલો તણાવ, જેમાં જહાજો પરના પ્રતિબંધો અને સમુદ્રમાં બિછાવવામાં આવેલી બારુદી સુરંગોના અહેવાલોનો સમાવેશ થાય છે- તેનો અર્થ એ છે કે કોઈ પણ કરાર પછી પણ શિપિંગ ઝડપથી સામાન્ય થઈ શકશે નહીં.

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીનું કહેવું છે કે, તેને સાફ કરવામાં અઠવાડિયા અને કામગીરી પૂર્વવત્ કરવામાં મહિનાઓ લાગી શકે છે. ઈરાન એવું પણ ઇચ્છે છે કે, યુએસ નેવલ નાકાબંધી ઝડપથી હટાવી લેવામાં આવે, પરંતુ ટ્રમ્પ કહે છે કે, ‘‘તે જ્યાં સુધી કોઈ કરાર પર પહોંચવામાં ન આવે, પ્રમાણિત ન થાય અને હસ્તાક્ષર ન થાય ત્યાં સુધી સંપૂર્ણ રીતે અમલમાં રહેશે.’’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top