જ્યારે જનતામાં અસંતોષ કે આક્રોશ હોય તો તે ગમે તે રીતે વિસ્ફોટક બને જ છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ટિપ્પણી બાદ આખા દેશમાં જે રીતે કોકરોચ જનતા પાર્ટીના નામે ટ્રેન્ડ શરૂ થયો છે તે ખતરનાક છે. આ ડિજિટલ ચલવળ છે. સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવનાર ‘કોકરોચ જનતા પાર્ટી’ માત્ર એક મજાક, મીમ કે વાયરલ ટ્રેન્ડ નથી. વાસ્તવમાં તે દેશના શિક્ષિત બેરોજગાર યુવાનોની વર્તમાન વ્યવસ્થા પ્રત્યેની ઊંડી હતાશા, આક્રોશ અને વ્યવસ્થા પરિવર્તનની માંગનું એક જીવંત અને આધુનિક પ્રતીક છે.
આ ઘટના ભારતીય રાજકારણમાં ‘મીમ-પોલિટિક્સ’ ના એક નવા અને ગંભીર યુગની શરૂઆત તરફ ઈશારો કરે છે. કોઈપણ લોકશાહી દેશમાં જ્યારે મુખ્ય પ્રવાહના રાજકીય પક્ષો જનતાના મૂળભૂત મુદ્દાઓ જેવા કે રોજગારી, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પારદર્શક પરીક્ષા પદ્ધતિ પર નક્કર પરિણામો આપવામાં નિષ્ફળ જાય છે, ત્યારે આવા બિન-પરંપરાગત આંદોલનો જન્મ લે છે.કોકરોચ જનતા પાર્ટીએ હાલમાં ચાલી રહેલા NEET પરીક્ષા પેપર લીક વિવાદ અને CBSE રિચેકિંગ ફી જેવા વિદ્યાર્થીઓને સીધી અસર કરતા ગંભીર મુદ્દાઓ પર સોશિયલ મીડિયાના માધ્યમથી જોરદાર અવાજ ઉઠાવ્યો છે.
પેપર લીક થવાને કારણે વર્ષો સુધી તનતોડ મહેનત કરનારા લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું બની જાય છે. જ્યારે ન્યાય માંગવા જઈએ ત્યારે ફીના નામે આર્થિક બોજ નાખવામાં આવે છે. આવા સમયે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ અને સિસ્ટમની ભૂલોનું નુકસાન વિદ્યાર્થીઓએ કેમ ભોગવવું પડે તેવા તીખા સવાલો સરકારી તંત્રની જવાબદારી સામે આંગળી ચીંધે છે. પરંપરાગત રીતે ભારતમાં વિરોધ પ્રદર્શનો રસ્તાઓ પર ઉતરીને, ચક્કાજામ કરીને કે રેલીઓ યોજીને કરવામાં આવતા હતા. પરંતુ ‘કોકરોચ જનતા પાર્ટી’ એ બતાવી દીધું છે કે વર્તમાન સમયનો યુવા વર્ગ ડિજિટલ હથિયારોનો ઉપયોગ કરવામાં કેટલો સક્ષમ છે.
આ પક્ષના સ્થાપક અભિજિત દીપકે સ્પષ્ટ કર્યું છે કે આ ચળવળ ક્યારેય હિંસક સ્વરૂપ ધારણ નહીં કરે. આજના યુવાનો અપેક્ષા કરતાં વધુ પરિપક્વ, શિક્ષિત અને પોતાના બંધારણીય અધિકારોથી વાકેફ છે. તેઓ શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. યુવાનો પાસેથી રાષ્ટ્રવ્યાપી પહેલ અંતર્ગત સૂચનો અને વિચારો મંગાવવાનો પક્ષનો નિર્ણય એ દર્શાવે છે કે તેઓ ભવિષ્યના રાજકારણને એક નવો, સમાનતાવાદી આકાર આપવા માંગે છે. જ્યાં સામાન્ય નાગરિકની વાત માત્ર સાંભળવામાં ન આવે, પરંતુ તેને નીતિ-નિર્ધારણમાં સ્થાન પણ મળે.
જોકે, ડિજિટલ ચળવળ હોવી અને રસ્તા પર આંદોલન કે રાજકીય પક્ષ તરીકે ચાલવું તેમાં આસમાન-જમીનનો ફરક છે. રાજકીય પક્ષ બનવા માટે મજબૂત સંગઠનાત્મક માળખું, વિરાટ આર્થિક સંસાધનો અને ઇન્ટરનેટથી દૂર રહેતા ગ્રામીણ તથા વડીલ વર્ગ સુધી પહોંચવું અનિવાર્ય છે. જો સરકારી તંત્ર, ન્યાયતંત્ર અને શિક્ષણ વ્યવસ્થામાં સમયસર સુધારો કરવામાં નહીં આવે અને દેશના ભવિષ્ય સમાન યુવાનોને રોજગારી તેમજ ન્યાય નહીં મળે, તો ભવિષ્યમાં આવા ડિજિટલ મોરચાઓ શાસકોની ઊંઘ હરામ કરવા માટે પૂરતા સાબિત થશે.
લોકશાહીની સુંદરતા જ એ છે કે તેમાં વિરોધ પ્રદર્શિત કરવાના નવા ફોર્મેટ સતત વિકસતા રહે છે, અને ‘કોકરોચ જનતા પાર્ટી’ તેનો જ એક આધુનિક, ધારદાર અને વિચારવા મજબૂર કરતો હિસ્સો છે. જો કે, આ પક્ષ સત્તાવાર બને કે ન બને, તેણે દેશના શાસક પક્ષ અને વિપક્ષ બંને માટે એક સખત ચેતવણીરૂપ સંદેશ ચોક્કસ આપ્યો છે. રાજકીય નેતાઓએ હવે એ સમજવું જ પડશે કે યુવાનોના આક્રોશને હવે લાંબા સમય સુધી નજરઅંદાજ કરી શકાય તેમ નથી. સોશિયલ મીડિયાના આ યુગમાં યુવાનોને ધર્મ, જ્ઞાતિ કે પ્રાદેશિકતાના નામે કાયમ ભટકાવી શકાશે નહીં. જો નેતાઓ નહીં સમજે તો ભવિષ્યમાં ડિજિટલ ચળવળ રાજકારણીઓ સામેની ચળવળ બની જશે અને નેતાઓએ ભાગવું પડશે તે
નક્કી છે.