Gujarat

કમલમમાં બેઠકોનો ધમધમાટ: આજથી ભાજપનું પાર્લામેન્ટ્રી બોર્ડ ફરી મળશે, વડોદરા સહિત રાજ્યના મહાનગરોને મળશે નવા મેયર

15 મહાપાલિકાના મેયર અને 270થી વધુ તાલુકા પંચાયતના પ્રમુખોના નામો પર લાગશે આખરી મહોર

પદાધિકારીઓની વરણી બાદ IASની બદલીઓનો રાઉન્ડ, રથયાત્રાના બંદોબસ્ત બાદ IPSની બદલીના સંકેત

વડોદરા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો બાદ હવે સત્તાના સૂત્રો સોંપવાની કવાયત તેજ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસના કારણે લાગી ગયેલી બ્રેક બાદ હવે ફરી એકવાર તમામની નજર ગાંધીનગર સ્થિત કમલમ પર સ્થિર થઈ છે. આજથી ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વની બેઠક ફરી શરૂ થઈ રહી છે, જેમાં વડોદરા સહિત રાજ્યની 15 મહાનગરપાલિકાઓના મેયર, ડેપ્યુટી મેયર અને વિવિધ સમિતિઓના હોદ્દેદારોના નામો પર આખરી મહોર મારવામાં આવશે.
પાર્લામેન્ટ્રી બોર્ડની આ બેઠકમાં ખાસ કરીને વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટ જેવી મુખ્ય મહાનગરપાલિકાઓના સુકાનીઓ નક્કી કરવા માટે લાંબુ મંથન ચાલી રહ્યું છે. વડોદરામાં મેયર પદ માટે જ્ઞાતિ-જાતિના સમીકરણો અને સંગઠન પ્રત્યેની વફાદારીને પ્રાધાન્ય આપવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહથી જનરલ બોર્ડની બેઠકો બોલાવીને સત્તાવાર રીતે વરણીની જાહેરાત કરવામાં આવશે.
માત્ર મહાનગરો જ નહીં, પરંતુ ભાજપ હાઈકમાન્ડ દ્વારા રાજ્યના તમામ 33 જિલ્લા પંચાયતો અને 270થી વધુ તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓના પ્રમુખ અને ઉપપ્રમુખના નામો અંગે પણ વિચારણા પૂર્ણતાના આરે છે. સંગઠન દ્વારા મોકલવામાં આવેલી પેનલોમાંથી યોગ્ય અને સક્રિય કાર્યકરોની પસંદગી કરીને તેમને જવાબદારી સોંપવામાં આવશે. પક્ષમાં શિસ્ત અને કામગીરીના આધારે જ હોદ્દાની લહાણી કરવાનું મન મોવડી મંડળે બનાવી લીધું છે.
સ્થાનિક સંસ્થાઓના સુકાનીઓની વરણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વહીવટી તંત્રમાં પણ મોટા ફેરફારો જોવા મળશે. જાણવા મળતી વિગતો મુજબ, જિલ્લા અને મહાનગરોના નવા પદાધિકારીઓ સાથે તાલમેલ સાધી શકે તેવા સક્ષમ IAS અધિકારીઓની બદલીનો દોર શરૂ કરવામાં આવશે. જોકે, પોલીસ વિભાગમાં એટલે કે IPS અધિકારીઓની બદલી માટે રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવામાં આવી શકે છે. રથયાત્રા જેવો સંવેદનશીલ પ્રસંગ હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હાલના તબક્કે પોલીસ તંત્રમાં મોટા ફેરફારો કરવાનું જોખમ લેવામાં આવશે નહીં.

Most Popular

To Top