રૂપિયા ચૂકવી ડિજિટલ પ્રિન્ટર મંગાવ્યું, ડિલિવરી બાદ પાર્સલ ખોલતા યુવક ચોંકી ઉઠ્યો
વડોદરા તા.9
હાલના સમયમાં લોકો ઓનલાઈન શોપિંગ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે, પરંતુ ઓનલાઈન ખરીદી દરમિયાન સાવચેતી રાખવી કેટલી જરૂરી છે તેનો એક ચોંકાવનારો કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. શહેરના એક યુવકે ઓનલાઈન ડિજિટલ પ્રિન્ટર ઓર્ડર કર્યું હતું અને તેની સંપૂર્ણ રકમ પણ ઓનલાઈન ચૂકવી દીધી હતી.

આ દરમિયાન આજે સાંજના સમયે ડિલિવરી બોય યુવકના ઘરે પાર્સલ પહોંચાડી ગયો હતો. જોકે, ડિલિવરી બોય પાર્સલ ચેક કરાવ્યા વગર જ સ્થળ પરથી રવાના થઈ ગયો હતો. બાદમાં યુવકે પાર્સલ ખોલીને તપાસ કરતાં તે આશ્ચર્યચકિત બની ગયો હતો. કારણ કે પાર્સલમાં ડિજિટલ પ્રિન્ટરના બદલે બે બલ્બ તેમજ કાગળમાં લપેટીને અંદાજે 15 જેટલી લખોટીઓ મૂકેલી હતી.
ઘટનાની જાણ થતાં યુવક સહિત આસપાસના લોકો ભેગા થયા હતા અને ડિલિવરી બોયને શોધી કાઢ્યો હતો. સાથે જ સંબંધિત કંપનીના અધિકારીઓને સ્થળ પર બોલાવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી પણ કરવામાં આવી હતી.
આ સમગ્ર બનાવ બાદ યુવકે અન્ય લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે ઓનલાઈન શોપિંગ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. ખાસ કરીને ડિલિવરી સમયે પાર્સલ ચેક કર્યા વગર OTP કે કન્ફર્મેશન ન આપવું જોઈએ, કારણ કે ઘણા કિસ્સાઓમાં વસ્તુઓ બદલી નાખવાના બનાવો સામે આવી રહ્યા છે.