Vadodara

ન્યાયમંદિરના ભરચક વિસ્તારમાં સ્કોર્પિયોની સ્વિફ્ટને જોરદાર ટક્કર, પોલીસ ‘સીમાડા’ વિવાદમાં અટવાઈ

દૂધવાળા મહોલ્લા પાસે ફૂલ સ્પીડ એસયુવીએ સર્જ્યો અકસ્માત, ટ્રાફિક વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ

(પ્રતિનિધિ), વડોદરા. તા.9
વડોદરા શહેરના સૌથી વ્યસ્ત અને ધમધમતા એવા ન્યાયમંદિર વિસ્તારમાં આજે સવારે એક અકસ્માત સર્જાતા નાસભાગ મચી ગઈ હતી. ભગતસિંહ ચોક પાસે ફૂલ સ્પીડે આવી રહેલી એક સ્કોર્પિયો કારે આગળ જતી સ્વિફ્ટ કારને પાછળથી જોરદાર ટક્કર મારતા વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટનાએ ન્યાયમંદિર વિસ્તારની વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાને ફરી એકવાર ચર્ચાના એરણે લાવી દીધી છે.

મળતી વિગત મુજબ, રાવપુરા રોડ પર દૂધવાળા મહોલ્લા નજીક આજે સવારે જ્યારે વાહનોની અવરજવર હતી, ત્યારે ઓવરસ્પીડમાં આવેલી એક સ્કોર્પિયો ના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ફૂલ સ્પીડમાં રહેલી આ કારે આગળ જતી મારુતિ સ્વિફ્ટ કારના પાછળના ભાગે ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે સ્વિફ્ટ કારનો પાછળનો ભાગ રીતસરનો દબાઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને રસ્તો બ્લોક થઈ ગયો હતો.

ઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિકોએ તુરંત 112 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. પોલીસ કાફલો સ્થળ પર તો પહોંચી ગયો, પરંતુ નવાઈની વાત એ હતી કે લાંબો સમય સુધી આ વિસ્તાર અમારા પોલીસ સ્ટેશનમાં નથી આવતો તેવી ટેકનિકલ દલીલો ચાલતી રહી. ન્યાયમંદિર અને રાવપુરાની હદને લઈને સર્જાયેલી આ ગૂંચવણને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અંતે રાવપુરા પોલીસે મામલો હાથમાં લીધો હતો અને તપાસ શરૂ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માતમાં સંકળાયેલી કાર પૈકી, એક કાર અમદાવાદ પાસિંગની છે. બીજી કાર ગોધરા પાસિંગની છે. જ્યારે ત્રીજું વાહન વડોદરા શહેરનું હોવાનું સામે આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોધરાના કારચાલકે આ મામલે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો છે. વાહન ચાલકો વચ્ચે પરસ્પર સમજૂતી અને સમાધાનની દિશામાં વાતચીત ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, પાલિકાએ રસ્તાની વચ્ચે પાર્કિંગ ઝોન તો ફાળવ્યો છે, પરંતુ અપૂરતા આયોજનને કારણે અહી વારંવાર અકસ્માતો સર્જાય છે. ફૂલ સ્પીડે દોડતા વાહનો અને આડેધડ પાર્કિંગને કારણે સામાન્ય નાગરિકોનો જીવ જોખમમાં મુકાય છે. હાલમાં રાવપુરા પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી ટ્રાફિક પૂર્વવત કર્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top