ગેરકાયદેસર સામાન મૂકી રાખ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ :
ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો,કોઈ જાનહાનિ નહિ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.9
સમા-હરણી રોડ પર આવેલી એક ખુલ્લી જગ્યામાં પડેલા સ્ક્રેપના સામાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. લોખંડનું કટિંગ કરતી વખતે તણખો ઉડતા સ્ક્રેપમાં આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

વડોદરામાં આગ લાગવાના બનાવો વધવા માંડ્યા છે. ત્યારે, વધુ એક આગની ઘટના સમા હરણી લિંક રોડ પર બની હતી. જેમાં ખુલ્લી જગ્યામાં મૂકી રખાયેલા સ્ક્રેપના સામાનમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા. આસપાસની સોસાયટીના લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે શશીકાંત ગોસાઈના સાળાએ આ ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે સામાન મુક્યો હતો. ઉપરાંત અહીં ઓઈલ અને કેમિકલના ખાલી બેરલો પણ પડ્યા હતા. જેના કારણે આગ વધુ ઝડપથી પ્રસરી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયર વિભાગે આગનું ચોક્કસ કારણ જાણવા અને ગેરકાયદે સંગ્રહ અંગે તપાસ શરૂ કરી છે. પોલીસે પણ સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.