છઠ્ઠા માળે આગ લાગતા ચાર વ્યક્તિઓ લિફ્ટમાં ફસાઈ :
વડીવાડી ફાયરબ્રિગેડના જવાનોએ પરિસ્થિતિ સંભાળી ,કોઈ જાનહાનિ નહિ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.9
વડોદરા શહેરના નટુભાઈ સર્કલ થી આઈનોક્સ તરફ જવાના માર્ગે આવેલા એવરેસ્ટ ઓનિક્સ કોમ્પ્લેક્સના છઠ્ઠા માટે હોલીસ્ટિક વેલનેસ સ્પામાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. વીજ પુરવઠો બંધ થતાં ચાર જેટલી વ્યક્તિઓ લિફ્ટમાં ફસાઈ હતી. બનાવને પગલે ઘટનાસ્થળે પહોંચેલા વડીવાડી ફાયર સ્ટેશનના જવાનોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. સહીસલામત લિફ્ટમાં ફસાયેલી વ્યક્તિઓને બહાર કાઢવામાં આવી હતી, જ્યારે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. નસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

વડોદરા શહેરમાં ગરમીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે જેની સાથે સાથે આગ લાગવાના બનાવો પણ વધવા માંડ્યા છે, તેવામાં આજે શહેરના નટુભાઈ સર્કલથી આઈનોક્સ તરફ જવાના માર્ગે આવેલા એવરેસ્ટ ઓનિક્સ નામની બહુમાળી બિલ્ડીંગમાં છઠ્ઠા માળે આવેલ હોલીસ્ટિક વેલનેસ સ્પામાં આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સ્પામાંથી ધુમાડો નીકળતા બિલ્ડીંગમાં હાજર લોકો નીચે ઉતારવા માંડ્યા હતા. જે પૈકી કેટલાકે લિફ્ટનો સહારો લેતા બીજ પુરવઠો બંધ થતા ચાર વ્યક્તિઓ લિફ્ટમાં ફસાઈ ગઈ હતી.

તાત્કાલિક બનાવની જાણ કરવામાં આવતા વડી વાડી ફાયર સ્ટેશનના જવાનો બે ફાયરની ગાડીઓ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા સૌપ્રથમ લિફ્ટમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે, એક ટીમે સ્પામાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.

સર સૈનિક ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે, સ્પાની ઓફિસમાં આગ લાગી હતી, પ્લાયવુડમાં ઉપર ફાયર થઈ હતી. અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે. આગ પર કાબુ મેળવી લીધો છે. ઓફિસમાં કોઈ હતું નહીં, બધા નીચે ઉતરી રહ્યા હતા. કોઈ જાનહાની થઈ નથી. બધાને સહી સલામત રીતે ઉતારી લીધા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગમે ત્યારે આગ લાગે તો કોઈ પણ દિવસ લિફ્ટનો ઉપયોગ ક્યારેય કરવો નહીં. નહીં તો અત્યારે જે પરિસ્થિતિ ઉદ્ભવી હતી. જેમાં ચાર માણસો લિફ્ટમાં ફસાઈ ગયા હતા. આવા સમયે ઈલેક્ટ્રીક સપ્લાય જીઈબી વાળા કાપી નાખતા હોય છે તો દુર્ઘટના ના ઘટે. હોલીસ્ટિક વેલનેસ સ્પાની અંદર છઠ્ઠા માળે આગનો બનાવ બનતા વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ દ્વારા સફળતાપૂર્વક આવીને આગને કંટ્રોલ કરી લીધી હતી. ફાયર ઈક્વિકમેન્ટ સિસ્ટમ લાગેલી છે પણ એ ઓફિસનો વિષય છે વર્કિંગ કન્ડિશનમાં છે કે નથી. કોઈ જાનહાનિ થઈ નથી.