તામિલનાડુની 2026 વિધાનસભા ચૂંટણીમાં રાજકીય સમીકરણોમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. વર્ષો સુધી DMK અને AIADMK વચ્ચે સીધી ટક્કર રહેતી હતી, પરંતુ આ વખતના ટ્રેન્ડમાં નવી પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ (TVK) અને તેના નેતા થલપતિ વિજયની એન્ટ્રીએ સમગ્ર રમત બદલી નાખી છે. શરૂઆતના વલણ મુજબ TVK સૌથી આગળ દેખાઈ રહી છે, જ્યારે DMK અને AIADMK પાછળ રહી ગઈ છે, જેના કારણે રાજ્યની પરંપરાગત રાજકીય ગઢ હલતા દેખાઈ રહ્યા છે. DMK માટે આ ચૂંટણી પડકારજનક બની છે. 234 બેઠકોની વિધાનસભામાં બહુમતી માટે 118 સીટ જરૂરી છે, પરંતુ શરૂઆતના ટ્રેન્ડ મુજબ DMK માટે આ આંકડો હાંસલ કરવો મુશ્કેલ લાગી રહ્યો છે. 2021માં સત્તામાં આવેલી પાર્ટી હવે બીજી વખત સરકાર બનાવવામાં પાછળ પડી શકે છે. બીજી તરફ, વિજયની પાર્ટી TVKનો ઉછાળો રાજકીય નિષ્ણાતો માટે પણ ચોંકાવનારો છે.
ચૂંટણીમાં DMKની નીતિઓ પણ ચર્ચાનો વિષય બની છે. ખાસ કરીને હિન્દી ભાષા અને સનાતન ધર્મ મુદ્દે પાર્ટીના વલણને લઈને વિરોધીઓએ આક્ષેપ કર્યા છે કે આ નેરેટિવ લોકોમાં ખાસ અસરકારક સાબિત થયું નથી. DMKએ કેન્દ્રની ત્રણ ભાષાની નીતિનો વિરોધ કર્યો હતો અને હિન્દી લાદવાનો આશંકા દર્શાવી હતી, પરંતુ મતદારોમાં આ મુદ્દો કેટલી હદે અસરકારક રહ્યો તે ચર્ચાસ્પદ છે. આ ઉપરાંત, ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મ વિશેના વિવાદાસ્પદ નિવેદનોએ પણ રાજકારણ ગરમાવ્યું હતું. 2023માં તેમણે સનાતન ધર્મને ડેન્ગ્યુ અને મલેરિયા સાથે સરખાવીને કડક ટીકા કરી હતી, જેના કારણે દેશભરમાં વિરોધ થયો હતો. આ નિવેદન બાદ DMKને રાજકીય રીતે નુકસાન થયું હોવાની ચર્ચા છે.
આ ચૂંટણીમાં મતદારોનો મૂડ પણ બદલાતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને યુવાનો અને શહેરી મતદારો વિકાસ, રોજગારી અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર વધુ ધ્યાન આપી રહ્યા છે. કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે પરંપરાગત દ્રવિડિયન રાજનીતિથી લોકો થાક્યા છે અને નવા વિકલ્પ તરફ વળ્યા છે. હાલની સ્થિતિ મુજબ કોઈપણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતી નથી તેવી સંભાવના છે, જેના કારણે ત્રિશંકુ વિધાનસભા બનવાની શક્યતા વધી ગઈ છે. જોકે, એક વાત સ્પષ્ટ છે કે એમકે સ્ટાલિન માટે ફરી સત્તા પર પાછા ફરવું આ વખતે સરળ નથી અને તેમને કડક પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.