સમય સર મેડિકલ સહાય ના મળતા ગુમાવ્યો જીવ,એક કલાકની રાહ જોયા બાદ 56 વર્ષીય દિલીપભાઈએ દેહ છોડ્યો
ઘટના બાદ પરિવાર પર આભ તૂટી પડ્યું, સમગ્ર પંથકમાં શોકનું મોજું
(પ્રતિનિધિ), વડોદરા. તા.22
વડોદરા શહેરના શિયાબાગમાં ટ્રાવેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક યુવાન માટે આ વર્ષની કેદારનાથ યાત્રા જીવનભરનું ક્યારેય ન ભૂલાય તેવું દુઃખદ સંભારણું બની ગઈ છે. વડોદરાના વ્રજ વિહાર કોમ્પ્લેક્સમાં ‘ત્રિમૂર્તિ ટુર્સ એન્ડ એડવેન્ચર્સ’ના નામે ટૂર ઓપરેટરનો વ્યવસાય કરતા હેમંત માલી છેલ્લા ત્રણ વર્ષથી શ્રદ્ધાળુઓને કેદારનાથ પાલખી યાત્રા કરાવે છે. આ વર્ષે પણ તેમણે ખૂબ જ ઉત્સાહ સાથે આ યાત્રાનું આયોજન કર્યું હતું, પરંતુ આ યાત્રા તેમના પરિવાર માટે કાળમુખી સાબિત થઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ વર્ષની યાત્રામાં હેમંત માલી પોતાના માતા અને પિતા દિલીપભાઈ માલી (ઉંમર 56 વર્ષ)ને પણ સાથે લઈને ગયા હતા. બુધવારે સવારે કેદારનાથ ધામમાં દર્શન દરમિયાન દિલીપભાઈને અચાનક હૃદયમાં તકલીફ થતા તેઓ ચક્કર ખાઈને જમીન પર ઢળી પડ્યા હતા. હેમંતભાઈએ તાત્કાલિક મેડિકલ ઈમરજન્સી હેલ્પલાઇન પર ફોન કરીને મદદ માંગી હતી. તેમને ખાતરી આપવામાં આવી હતી કે પાંચ થી દસ મિનિટમાં મેડિકલ ટીમ પહોંચી જશે.
દુર્ભાગ્યવશ, પાંચ-દસ મિનિટના બદલે એક કલાક વીતી જવા છતાં ત્યાં કોઈ મેડિકલ સહાય કે એમ્બ્યુલન્સ પહોંચી નહીં. પિતાની ગંભીર હાલત જોઈને ગભરાઈ ગયેલા હેમંતભાઈએ અંતે હિંમત હારી નહીં અને તેમને જાતે જ સારવાર માટે લઈ જવાની વ્યવસ્થા કરી. જોકે, ગંભીર સ્થિતિમાં સમયસર સારવાર ન મળવાથી રસ્તામાં જ કિંમતી સમય વેડફાઈ ગયો હતો. હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ દિલીપભાઈને તપાસીને મૃત જાહેર કર્યા હતા.
એક ટૂર ઓપરેટર તરીકે જે દીકરાએ અનેક શ્રદ્ધાળુઓને સુરક્ષિત યાત્રા કરાવવાનો સંકલ્પ કર્યો હતો, તે દીકરો પોતે જ પોતાના પિતાને બચાવી ન શક્યાનો વસવસો આજે તેને કોરી ખાઈ રહ્યો છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં આ સમાચાર પહોંચતા જ સ્વજનો અને મિત્રવર્તુળમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. એક હસતો-રમતો પરિવાર કેદારનાથના પવિત્ર દર્શને ગયો હતો, પરંતુ ત્યાંથી તેઓ દિલીપભાઈના પાર્થિવ દેહ સાથે પરત ફરશે તેવી કોઈએ કલ્પના પણ કરી નહોતી.