ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ફરી એકવાર વધી રહ્યો છે. તાજેતરમાં પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં બંને દેશો વચ્ચે લગભગ 21 કલાક સુધી બેઠક થઈ હતી, પરંતુ તેમાં કોઈ ખાસ નિર્ણય લેવાયો નથી. આ કારણે હાલ પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ 13 એપ્રિલથી હોર્મુઝ સ્ટ્રેટ પર સંપૂર્ણ દરિયાઈ નાકાબંધી કરવાની જાહેરાત કરી છે. તેનો અર્થ એ છે કે હવે ઈરાનના બંદરો તરફ આવતા-જતા જહાજોને રોકવામાં આવશે. અમેરિકી સેનાએ આ દિશામાં કામગીરી પણ શરૂ કરી દીધી છે. હોર્મુઝ સ્ટ્રેટ એક મહત્વનો સમુદ્રી માર્ગ છે, જ્યાંથી ગલ્ફ દેશો વિશ્વના અનેક દેશોને તેલ અને ગેસ સપ્લાય કરે છે. જો આ માર્ગ બંધ થાય તો ઘણા દેશોમાં ઊર્જાની અછત સર્જાઈ શકે છે અને વૈશ્વિક બજારમાં ભારે અસર પડી શકે છે.
આ દરમિયાન ચીનએ પણ આ મુદ્દે કડક પ્રતિક્રિયા આપી છે. ચીનના સંરક્ષણ મંત્રી એડમિરલ ડોંગ જુને જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ તેમના માટે ખુલ્લો છે અને તેમાં કોઈ પણ દેશે દખલગીરી કરવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે ચીન હંમેશા શાંતિ અને સ્થિરતાને સમર્થન આપે છે અને મિડલ ઈસ્ટની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ચીને સ્પષ્ટ કર્યું કે તેમના જહાજો સતત હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યા છે અને ઈરાન સાથે તેમના ઊર્જા અને વેપાર સંબંધો છે, જેને તેઓ જાળવી રાખશે. ચીનના વિદેશ મંત્રાલયે પણ આ આરોપોને નકારી કાઢ્યા કે તેઓ ઈરાનને હથિયાર પૂરા પાડી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ ચીન હંમેશા જવાબદારીપૂર્વક લશ્કરી નિકાસ કરે છે અને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરે છે.
બીજી તરફ ઈરાને પણ અમેરિકાની ધમકીનો કડક જવાબ આપ્યો છે. અગાઉ ઈરાને પણ કેટલાક દેશોના જહાજો માટે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો હતો, જોકે ભારત જેવા મિત્ર દેશોને રાહત આપી હતી. હવે અમેરિકા પોતે જ આ માર્ગ પર નાકાબંધી કરી રહ્યું છે, જેના કારણે પરિસ્થિતિ વધુ જટિલ બની રહી છે. જો આ તણાવ આગળ વધશે તો તે માત્ર મિડલ ઈસ્ટ નહીં પરંતુ આખી દુનિયાની અર્થવ્યવસ્થા અને ઊર્જા પુરવઠા પર અસર કરી શકે છે. હાલમાં વિશ્વના ઘણા દેશો આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે તણાવ ટૂંક સમયમાં શાંત થશે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ હવે વૈશ્વિક રાજકારણનું સૌથી મોટો અખાડો બની ગયું છે.