સિક્યુરિટીના નાક નીચે રિક્ષા માફિયાઓનો કબ્જો, મજબૂર દર્દીઓ પાસેથી વસૂલાતું તોતિંગ ભાડું
(પ્રતિનિધિ), વડોદરા. તા.7
વડોદરા અને મધ્ય ગુજરાતના લાખો દર્દીઓ માટે આશાનું કિરણ ગણાતી સયાજી હોસ્પિટલ (SSG) હાલ તેની સારવારને બદલે અન્ય કારણોસર વિવાદમાં આવી છે. હોસ્પિટલનું પ્રાંગણ અત્યારે દર્દીઓના વ્હીલચેર કે સ્ટ્રેચર માટે નહીં, પરંતુ ખાનગી રિક્ષાઓના ‘અડ્ડા’ તરીકે વધુ જાણીતું બન્યું હોય તેવું દ્રશ્ય સામે આવી રહ્યું છે.

એસએસજી હોસ્પિટલમાં એન્ટ્રી ગેટથી લઈને ઈમરજન્સી વોર્ડ સુધીના રસ્તાઓ પર રિક્ષા ચાલકોએ પોતાનો અડિંગો જમાવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, હોસ્પિટલ તંત્ર દ્વારા અહીં લાખોના ખર્ચે મોટી સુરક્ષા એજન્સી તૈનાત કરવામાં આવી છે. ઠેર-ઠેર સિક્યુરિટી ગાર્ડ્સ હોવા છતાં, રિક્ષા ચાલકો બેફામ રીતે મુખ્ય પ્રવેશદ્વાર અને વોર્ડની બહાર રિક્ષાઓ પાર્ક કરે છે. સવાલ એ થાય છે કે, આટલી મોટી સિક્યુરિટી હોવા છતાં આ રિક્ષાઓ કોના રાજમાં અને કોના મૌન સંમતિથી ઊભી રહે છે ? શું સિક્યુરિટી ગાર્ડ્સ અને રિક્ષા ચાલકો વચ્ચે કોઈ આંતરિક સાંઠગાંઠ છે ?

માહિતી મુજબ, હોસ્પિટલમાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને આ રિક્ષા ચાલકો દ્વારા લૂંટવામાં આવી રહ્યા છે. ઈમરજન્સી સ્થિતિમાં જ્યારે દર્દીને તાત્કાલિક ઘરે કે અન્ય સ્થળે લઈ જવાની જરૂર હોય, ત્યારે આ રિક્ષા ચાલકો માનવતા નેવે મૂકીને સામાન્ય કરતા બમણા-ત્રણ ગણા ભાડાની માંગણી કરે છે. મજબૂર દર્દીઓ પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી તેઓએ આ ‘રિક્ષા માફિયાઓ’ સામે ઝૂકવું પડે છે.

શું વડોદરાનું તંત્ર જાગશે ? શું સયાજી હોસ્પિટલના સત્તાધીશો આ રિક્ષા ચાલકોને પરિસરમાંથી ખસેડીને દર્દીઓને આ લૂંટમાંથી બચાવશે ? શહેરના નાગરિકો હવે આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.