એગ્રીકલ્ચર લાઈનનો પાવર બંધ ન થતાં અકસ્માત, સલામતી સાધનોના અભાવના આક્ષેપ
પાવર બંધ ન થતાં જ્યોતિગ્રામ અને એગ્રીકલ્ચર લાઇનના વાયર ભેગા થયા
શિનોર, તા. 3 એપ્રિલ
શિનોર તાલુકાના તેરસા ગામે જ્યોતિગ્રામ યોજનાનું કામ કરતી વખતે ત્રણ શ્રમિકોને અચાનક વિદ્યુત કરંટ લાગતાં તેઓ પુલ પરથી નીચે પટકાયા હતા. સદનસીબે નીચે માટી હોવાના કારણે મોટી જાનહાની ટળી હતી અને ત્રણેય શ્રમિકોનો આબાદ બચાવ થયો હતો. જોકે તેમના હાથ અને છાતીના ભાગે ઇજાઓ પહોંચી હતી.

માહિતી મુજબ તેરસા ગામે કુકસ એગ્રીકલ્ચર લાઇન ઉપર MBCC હેઠળ જ્યોતિગ્રામ યોજનાનું કામ કોન્ટ્રાક્ટરના મજૂરો દ્વારા ચાલી રહ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા અગાઉથી જાણ કરવામાં આવી હોવા છતાં વીજ કંપની દ્વારા એગ્રીકલ્ચર લાઇનનો પાવર બંધ કરવામાં આવ્યો નહોતો. કામગીરી દરમિયાન બંને લાઇનના વાયરો ભેગા થતાં કામ કરતા ત્રણ શ્રમિકોને કરંટ લાગ્યો હતો.
કરંટ લાગતાં શ્રમિકો પુલ પરથી નીચે પટકાયા હતા, પરંતુ વાયર હાથમાંથી છૂટી જતા મોટી દુર્ઘટના ટળી હતી.
સ્થાનિક સ્તરે એવો આક્ષેપ પણ સામે આવ્યો છે કે કામ દરમિયાન શ્રમિકોને જરૂરી સલામતી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નહોતા. ઇજાગ્રસ્તોને મોટા ફોફળિયા સી.એ. પટેલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ સામાન્ય ઇજા હોવાનું જણાતા તેમને રજા આપવામાં આવી હતી.
આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ કામગીરી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા થયા છે.
રિપોર્ટર: અમિત સોની