જે લોકો વ્યસન કરે છે તેમને પણ ખબર જ હોય છે કે વ્યસન વ્યકિતને નુકસાનકર્તા છે. છતાં તેઓ વ્યસન કર્યે જ રાખે છે. તેમની દલીલ મુજબ વ્યસન વ્યકિતને સ્ફૂર્તિ પૂરી પાડે છે.વળી તેઓ એમ પણ કહે છે કે ‘આદતસે મજબૂર’ કેટલાંક લોકો એવાં હોય છે કે બીજાને સલાહ આપવામાં જ માને છે.પરંતુ પોતાના દુર્ગુણ તરફ તેમનું ધ્યાન જતું નથી.વ્યસન છોડાવવા વિશેનો એક કિસ્સો રંગ અવધૂત મહારાજના જીવનમાં બનેલો,જે પ્રસ્તુત કરું છું.રંગ અવધૂત મહારાજ રોજ સવારે ચાલવા નીકળતા ત્યારે એક બાઈ તેમને દેશી દારૂ પીધેલી હાલતમાં સામે મળતી.
એક દિવસ તેમણે તેને દારૂ પીવાનું કારણ પૂછ્યું. તેણે એવો જવાબ આપ્યો કે ‘‘મહારાજ, તમે રોજ સવારે ચા પીઓ છો?’’ મહારાજે હા પાડી. તેણે કહ્યું: ‘‘જે રીતે તમે ચા પીઓ છો તે રીતે હું દારૂ પીઉં છું’’. તેના બીજા દિવસથી અવધૂત મહારાજે ચા પીવાની છોડી દીધી. થોડા દિવસ પછી મહારાજે તે બાઈને કહ્યું કે ‘‘મેં ચા છોડી દીધી છે. તું દારૂ છોડી દઈશ?’’ આ પ્રસંગ એવી શીખ આપે છે કે આપણે કોઈને સુધારતાં પહેલાં પોતે સુધરવું પડે. મહાન સંતો નાના માણસો પાસેથી પણ કંઈક બોધપાઠ લે છે અને તેવા સંત જ મહાન બને છે.
ગોડાદરા, સુરત – પ્રવીણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સુરતનું ગૌરવ
સુરતના રમેશભાઈ પટેલ સારા લેખક અને કવિ છે. લલિત નિબંધ સંગ્રહ ‘શબ્દના ધબકારા’ને મુંબઇની સાહિત્ય સંસ્થા કલા ગુર્જરી દ્વારા ‘ગિરા ગુર્જરી નિબંધ સંગ્રહ’નું પારિતોષિક પ્રાપ્ત થયું. અભિનંદનને પાત્ર બન્યા. તે પણ બે વાર. સુરત માટે ગૌરવની વાત છે. ગણિત-વિજ્ઞાન તો એમની નસોમાં છે પણ ગઝલ અને હાઈકુના તેઓ બેતાજ બાદશાહ છે. 130 ઉપર પુસ્તકના રચયિતા છે.
સુરત – જયા રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.