સુરતના ખજોદ વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઈટ પર લાગેલી ભીષણ આગ આજે ચોથા દિવસે પણ આગ કાબૂમાં આવી નથી. જેના કારણે ફાયર વિભાગ સતત મહેનત કરી રહ્યો છે. મંગળવારે સવારે લાગેલી આ આગ થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરીને અંદાજે એક કિલોમીટર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભય અને ગભરાટ ફેલાયો હતો. છેલ્લા ચાર દિવસથી ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, છતાં આગને સંપૂર્ણ રીતે બુઝાવવામાં હજી સુધી સફળતા મળી નથી. આ આગને કારણે આસપાસની રહીશોને મોટા પ્રમાણમાં ધુમાડાઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ સાથે આસપાસના વિસ્તારોમાં ફફડાટ પણ ફેલાઈ ગયો છે. બીજી તરફ મ્યુનિસિપાલ કમિશનર સહિત GSPB દ્વારા પણ આ ઘટનાને ગંભારતાથી લેવામાં આવી રહી છે, અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ફરી ના બને એ માટે પણ યોગ્ય તે કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવવામાં આવ્યું છે. જોકે, માત્ર 52 દિવસમાં બીજી વખત આવી આગની ઘટના બનતા તંત્રની કામગીરી અને કચરા વ્યવસ્થાપન પર ફરી સવાલો ઊભા થયા છે.
આ ઘટનાએ ફરી એકવાર શહેરના કચરા સંચાલન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ખજોદ ડમ્પિંગ સાઈટ લાંબા સમયથી વિવાદોમાં રહી છે અને અગાઉ પણ કચરા કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં વૈજ્ઞાનિક પદ્ધતિના બદલે બેદરકારીપૂર્વક કચરાનું ડમ્પિંગ કરવામાં આવતું હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે તપાસ હાથ ધરાઈ છે અને કેટલાક જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. આગના કારણે અત્યાર સુધીમાં સેંકડો ટન કચરો બળી ગયો છે, જેના કારણે ખજોદ અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા પર ગંભીર અસર જોવા મળી રહી છે. ખાસ કરીને કચરાની અંદર ઉત્પન્ન થતી મિથેન ગેસ આગને ફરી ભડકાવી શકે એનો ખતરો વધારી રહી છે, જેના કારણે આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવા માટે તંત્ર માટે પડકાર ઉભો થયો છે.