Entertainment

મોનાલિસાના આરોપો પર સનોજ મિશ્રાનો મોટો ખુલાસો, કહ્યું કે કદાચ આ મારો છેલ્લો વીડિયો પર હોઈ શકે, આ બધું પ્લાનિંગ છે

પ્રયાગરાજ મહાકુંભથી વાયરલ બનેલી Monalisa Bhosale દ્વારા ફિલ્મ ડિરેક્ટર Sanoj Mishra સામે લગાવવામાં આવેલા ગંભીર આક્ષેપો બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. મોનાલિસાએ પોતાના પતિ સાથે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં શૂટિંગ દરમિયાન માનસિક ઉત્પીડન અને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેના જવાબમાં હવે ડિરેક્ટરે સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને પોતાની બાજુ રજૂ કરી છે. સનોજ મિશ્રાએ વીડિયોમાં કહ્યું કે, “દેશવાસીઓ પ્રણામ. થોડાક દિવસો પહેલા મોનાલિસાએ લવ જેહાદ વાળી મેટર થઈ. બાદમાં મેં લવ જેહાદ અને પીડિત પરિવાર સામે એક અભિયાન શરૂ કર્યું. મારા અભિયાનને લોકોએ સમર્થન આપ્યું. જોકે હવે મામલો થોડો અલગ થતો જોવા મળી રહ્યો છે.” તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે “જેહાદીઓની સાથે સાથે કેરળની ઇસાઈ મિશનરી પણ જોઇન્ટ ઓપરેશનમાં મારા વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. આજે તમે જોઈ શકો છો કે કેવી રીતે તે બાળકને સમજાવીને મારા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ખોટી વાતો કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે મેં તેને ખોટી રીતે અડી. ખબર નહીં શું..શું…જે પણ છે તમે જોઈ રહ્યા છો. આ વિશે મારે બોલવાની જરૂર નથી, કારણ કે આ જેહાદીઓ કેવી રીતે બ્રેન વોશ કરે છે અને ક્યાં સુધી લઈને જાય છે તે જોઈ શકાય છે.”

તેમણે જણાવ્યું કે, “આ એ જ બાળકી છે કે જેને હું ભણાવતો હતો ત્યારે મારા બાળકો મારાથી નારાજ થઈ જતા હતા.” સાથે જ તેમણે કહ્યું કે “આ લોકોએ જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને મારા વિરુદ્ધ બોલ્યા છે, તે દુનિયા જોઈ રહી છે. આ પહેલા શું હતું કે આ પહેલા મોનાલિસાએ મારા વિશે સારું બોલ્યું હતું. અચાનક એક રાતમાં શું થઈ ગયું. અમે સનાતની લોકો છીએ. અમે જેહાદી નથી. જ્યારથી મારી ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે ત્યારથી મારા વિરુદ્ધ જોઇન્ટ ઓપરેશન ચાલી રહ્યું છે.” સનોજ મિશ્રાએ વધુમાં ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે “મારી સાથે કોઈ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવી શકે છે. મોનાલિસાને મારા વિરુદ્ધ ભડકાવવામાં આવી રહી છે અને આવનારા સમયમાં મારા અને મારા પરિવાર સાથે મોટી દુર્ઘટના ઘટી શકે છે.” તેમણે ઉમેર્યું કે “કાલે મને કંઈ થયું તો મારા પરિવારને તમારો સપોર્ટ મળવો જોઈએ. મારી એક વૃદ્ધ માતા છે જે બીમાર રહે છે. હું એક ડિરેક્ટર હોવાની સાથે સામાજિક કાર્યકર્તા અને કોઈનો પતિ છું, કોઈનો પિતા છું.”

ડિરેક્ટરે પોતાના નિવેદનમાં વધુ એક દાવો કરતાં કહ્યું કે “મોનાલિસાના લગ્ન કેરળમાં માત્ર એટલા માટે પ્રમોટ કરવામાં આવ્યા. જેથી એ દર્શાવી શકાય કે હિંદુ-મુસ્લિમના લગ્ન સફળતાથી થાય છે. અન્ય છોકરીઓ પણ આવું કરવા માટે પ્રેરિત થાય.” અને અંતે કહ્યું કે “બની શકે કે આ મારો છેલ્લો વીડિયો હોય.” બીજી તરફ, મોનાલિસાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “સનોજ મિશ્રા સારો માણસ નથી. તેણે મને 10 વાર ખોટી રીતે સ્પર્શ કર્યો. પરિવારે પણ મારો સાથ આપ્યો નહીં. કહેવામાં આવ્યું કે આ તારી પહેલી ફિલ્મ છે. શું પહેલી ફિલ્મ માટે રેપ કરાવશો?” તેમણે સરકાર પાસે સુરક્ષા માગતા કહ્યું કે, તેમને અને તેમના પતિને ધમકીઓ મળી રહી છે. મોનાલિસાએ વધુમાં ચેતવણી આપી હતી કે, “જો મને મારા પતિથી અલગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તો અમે બંને આત્મહત્યા કરી લઈશું.” જ્યારે તેમના પતિએ આરોપ લગાવ્યો કે તેમના ધર્મના આધારે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ સમગ્ર વિવાદમાં મોનાલિસાના પિતા પણ સામે આવ્યા છે અને આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે શૂટિંગ દરમિયાન પરિવાર સતત મોનાલિસા સાથે હતો અને ડિરેક્ટરે હંમેશા મદદ કરી છે. હાલમાં આ કેસમાં બંને તરફથી ગંભીર આરોપો અને પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, જેના કારણે મામલો વધુ જટિલ બન્યો છે. તપાસ અને વધુ વિગતો બહાર આવ્યા પછી જ સમગ્ર સત્ય સ્પષ્ટ થશે.

Most Popular

To Top