SMC દ્વારા ક્લાસ-૨ અધિકારીઓની (આસિસ્ટન્ટ એન્જીનીયર) ખાલી જગ્યાની માટે ભરતી માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી હતી. સ્વાભાવિક છે કે એન્જિનીયરીંગ શાખાના સ્નાતક અને અનુસ્નાતક ઉમેદવારોને એમાં રસ પડે. પરંતુ આ વખતે SMC વેબસાઈટ પર ઓનલાઈન પ્રકાશિત થયેલી જાહેરાત જોઈને ઉમેદવારોના હોશ ઉડી ગયા હતા. કેમકે એમાં ક્લાસ-૨ કેડર માટે પણ પ્રથમ ત્રણ વર્ષ માટે ફિક્સ પે લાગૂ પાડવાની વાત હતી. એટલું જ નહિ પણ ત્રણ વર્ષ માટે માત્ર 18,500/- રૂપિયા જેવી મામુલી રકમ માસિક પગાર તરીકે નક્કી કરાઈ હતી! એ પછી આ મામલે ટેકનોક્રેટ યુવાસ્નાતકોમાં ભારે રોષ અને ગણગણાટ જોવા મળ્યો હતો.
ગુજરાતમિત્રને આ સમગ્ર મામલે માહિતી મળી, એ પછી સત્ય હકીકત શું છે એ જાણવાના પ્રયત્નો થયા. (વાંચો એ અંગેની ન્યૂઝસ્ટોરી) સદરહુ વિષય બાબતે ગુજરાતમિત્ર દ્વારા સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશ્નર નિધિ સિવાચનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો.
ડેપ્યુટી કમિશ્નરશ્રી દ્વારા ત્વરિત નિર્ણય

સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરશ્રી નિધિ સિવાચના ધ્યાને સમગ્ર મામલો આવતા એમણે ત્વરિત તપાસ કરી હતી. અને માત્ર એક જ દિવસમાં એનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. એ પછી ઓનલાઈન પ્રકાશિત થયેલ જાહેરતમાં દર્શાવેલ પગારધોરણમાં સુધારો થયો છે. પહેલા જ્યાં ક્લાસ-૨ કેડર માટે પ્રથમ ત્રણ વર્ષ સુધી માત્ર 18,500/- રૂપિયાનું ફિક્સ તાલીમભથ્થું મળવાપાત્ર હતું, એના સ્થાને સુધારેલ પગારધોરણ તરીકે 44,900/- થી 1,42,400/- સુધીનું ધોરણ (લેવલ-8) માટે નક્કી થયું હતું. આ સુધારો ગઈકાલે સાંજે જ સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર પણ અપડેટ કરી દેવામાં આવ્યો છે.
આમ ગુજરાતમિત્રના અહેવાલ અને ડેપ્યુટી કમિશ્નરશ્રીના ત્વરિત પગલાને પ્રતાપે નોકરીવાંછું યુવા ટેકનોક્રેટ્સમાં સંતોષની લાગણી જોવા મળી હતી.