India

હવે અજાણ્યા કોલથી નહીં થાય ઠગાઈ! CNAPથી મળશે કોલરનું સાચું નામ

ભારતમાં વધતા ટેલિફોન ફ્રોડ અને સ્પેમ કોલ્સ પર કાબૂ મેળવવા માટે કેન્દ્ર સરકાર અને Telecom Regulatory Authority of India (TRAI) દ્વારા ‘કોલિંગ નેમ પ્રેઝન્ટેશન’ (CNAP) નામની નવી વ્યવસ્થા અમલમાં મુકવાની તૈયારી તેજ બની છે. આ સુવિધા હાલમાં અંતિમ ટેસ્ટિંગ સ્ટેજમાં છે અને આવનારા થોડા મહિનાઓમાં દેશભરના મોબાઇલ યુઝર્સ માટે ઉપલબ્ધ થવાની શક્યતા છે. સરકારે તમામ ટેલિકોમ ઓપરેટર્સને 31 માર્ચ, 2026 સુધીમાં આ સેવા શરૂ કરવાની દિશામાં સૂચના આપી છે. Reliance Jio, Bharti Airtel અને Vodafone Idea (Vi) જેવા ખાનગી ઓપરેટર્સે અનેક સર્કલ્સમાં સફળ ટ્રાયલ્સ પૂર્ણ કર્યા છે, જ્યારે BSNL પણ આગામી 3થી 4 મહિનામાં આ સેવા સંપૂર્ણપણે લોન્ચ કરવાની તૈયારીમાં છે.

નવી CNAP સિસ્ટમ હેઠળ, કોલરનું નામ ‘નો યોર કસ્ટમર’ (KYC) દસ્તાવેજો મુજબ, ખાસ કરીને આધાર કાર્ડ સાથે જોડાયેલ સત્તાવાર નામ પરથી દેખાશે. અત્યાર સુધી યુઝર્સ અજાણ્યા નંબરની ઓળખ માટે Truecaller જેવી થર્ડ-પાર્ટી એપ્સ પર નિર્ભર રહેતા હતા, પરંતુ હવે ટેલિકોમ કંપનીઓ સીધા સત્તાવાર ડેટાના આધારે ચોક્કસ ઓળખ પ્રદાન કરશે. આ સિસ્ટમ કાર્યરત થયા પછી, જો કોઈ નંબર ફોનમાં સેવ ન હોય તો સ્ક્રીન પર સીધું જ તેનું ઓફિશિયલ નામ દેખાશે. જો નંબર સેવ હોય, તો થોડા સમય માટે સત્તાવાર નામ દેખાઈ પછી યુઝર દ્વારા સેવ કરેલું નામ દેખાશે. શરૂઆતમાં આ સેવા 4G અને 5G નેટવર્ક પર ઉપલબ્ધ રહેશે અને બાદમાં અન્ય નેટવર્ક્સ પર વિસ્તરશે. જોકે આ સેવા ‘બાય ડિફોલ્ટ’ એક્ટિવ રહેશે, પરંતુ યુઝર્સને પ્રાઇવસી માટે તેને બંધ કરવાનો વિકલ્પ પણ મળશે. આ નવી વ્યવસ્થા લાગુ થયા બાદ ફેક કોલ્સ, બેન્કિંગ ફ્રોડ અને અજાણ્યા નંબરથી થતી છેતરપિંડીમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top