સર્વર ડાઉન હોવાથી ઓનલાઈન બુકિંગમાં મુશ્કેલી સર્જાતા ‘ગેસ નહીં મળે’ તેવી અફવા ઉડી, એજન્સીએ સ્પષ્ટતા કરી કે બુકિંગ ચાલુ છે



(પ્રતિનિધિ), વડોદરા. તા.13
વડોદરા :- શહેરના અકોટા વિસ્તારમાં આવેલી ઇન્ડિયન ગેસ એજન્સી ખાતે આજે સવારથી જ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. રાંધણ ગેસના સિલિન્ડર નહીં મળે તેવી અફવાઓ અને ઓનલાઈન બુકિંગમાં ટેકનિકલ ખામી સર્જાતા ગ્રાહકોમાં ફાળ પડી હતી, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ગેસ એજન્સીની ઓફિસે પહોંચી ગયા હતા. જોકે, બાદમાં એજન્સી દ્વારા સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવતા ગ્રાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે એવી અફવાઓ વહેતી થઈ હતી કે રાંધણ ગેસના સિલિન્ડર મળવામાં મુશ્કેલી પડશે. આ દરમિયાન અચાનક ઇન્ડિયન ગેસનું ઓનલાઈન બુકિંગ બંધ થઈ જતાં ગ્રાહકો રોશે ભરાયા હતા. લોકોને એવી ચિંતા સતાવી રહી હતી કે જો ગેસ સિલિન્ડર નહીં મળે તો ઘરનો ચૂલો સળગાવવો મુશ્કેલ બનશે. આ ગભરાટમાં લોકો સવારથી જ એજન્સી પર રૂબરૂ બુકિંગ કરાવવા અને પૂછપરછ કરવા ઉમટી પડ્યા હતા. ઘટના અંગે ગેસ એજન્સીના સંચાલકોએ જણાવ્યું હતું કે, ટેકનિકલ કારણોસર સર્વર ડાઉન હોવાથી ઓનલાઈન બુકિંગમાં થોડી સમસ્યા સર્જાઈ હતી. એક સાથે ઘણા બધા લોકો બુકિંગનો પ્રયાસ કરી રહ્યા હોવાથી સિસ્ટમ પર ભાર વધ્યો હતો. એજન્સીએ સ્પષ્ટતા કરી હતી કે ‘ઇન્ડિયન ઓઇલ વન’ એપ્લિકેશન સંપૂર્ણપણે કાર્યરત છે અને ગ્રાહકો તેના માધ્યમથી સરળતાથી બુકિંગ કરી શકે છે.
એજન્સી પર આવેલા ગ્રાહકે જણાવ્યું કે, ઓનલાઈન નંબર લાગતો નહોતો એટલે ચિંતા થઈ હતી, પરંતુ અહીં આવ્યા પછી ખબર પડી કે એપ દ્વારા બુકિંગ થઈ રહ્યું છે. મારું બુકિંગ થઈ ગયું છે અને બે દિવસમાં સિલિન્ડર મળી જશે તેવી ખાતરી આપવામાં આવી છે. એજન્સી દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે ગેસની કોઈ અછત નથી. ગ્રાહકોએ મેન્યુઅલ બુકિંગ માટે ધક્કા ખાવાની જરૂર નથી, તેઓ ઘરે બેઠા મોબાઈલ એપ કે ઓનલાઈન પોર્ટલ દ્વારા બુકિંગ કરાવી શકે છે. સર્વરની સમસ્યા હલ થતા હવે બુકિંગ પ્રક્રિયા ફરી રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે.