World

ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ કોમામાં અને એક પગ પણ ગુમાવ્યો હોવાનો દાવો

ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈની તબિયત અંગે મોટા દાવાઓ સામે આવ્યા છે. એક બ્રિટિશ ટેબ્લોઇડના દાવા મુજબ હવાઈ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ મોજતબા ખામેનેઈ હાલમાં કોમામાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ગંભીર ઈજાઓને કારણે તેમનો એક પગ કાપવો પડ્યો છે. હાલ તેમની સારવાર તેહરાનની સિના યુનિવર્સિટી હોસ્પિટલમાં કડક સુરક્ષા વચ્ચે ચાલી રહી હોવાનું કહેવાય છે. જોકે આ તમામ દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.અહેવાલ અનુસાર 56 વર્ષીય મોજતબા ખામેનેઈ તેમના પિતા અને ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના મોત થયેલા હવાઈ હુમલામાં ઘાયલ થયા હતા. હુમલા પછી તેમને ગંભીર હાલતમાં સારવાર માટે તેહરાન લઈ જવાયા હતા. જોકે 28 ફેબ્રુઆરીએ થયેલા હુમલામાં જ તેમને ઈજા થઈ હતી કે કોઈ અલગ હુમલામાં, તે અંગે સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

આ મુદ્દે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. એક ન્યૂઝ રેડિયો સાથેની વાતચીતમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું મોજતબા ખામેનેઈ જીવિત છે, ત્યારે ટ્રમ્પે કહ્યું કે “મને લાગે છે કે તેઓ કદાચ જીવિત હશે, પરંતુ તેમને ગંભીર ઈજાઓ થઈ હશે.” સૂત્રોને ટાંકીને અહેવાલોમાં જણાવાયું છે કે હુમલામાં મોજતબા ખામેનેઈને અત્યંત ગંભીર ઈજાઓ થઈ હતી. તેમના શરીરના અનેક ભાગોને નુકસાન થયું હોવાની સાથે પેટ અથવા લીવર પર પણ ગંભીર અસર થઈ હોવાનું કહેવાય છે. અહેવાલ મુજબ હાલ તેમની સારવાર તેહરાનની સિના યુનિવર્સિટી હોસ્પિટલમાં ચાલી રહી છે અને જ્યાં તેમને રાખવામાં આવ્યા છે તે હોસ્પિટલ યુનિટને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યું છે. હોસ્પિટલમાં ભારે સુરક્ષા ગોઠવવામાં આવી છે અને ઈરાનના આરોગ્ય પ્રધાન તથા અનુભવી ટ્રોમા સર્જન મોહમ્મદ રેઝા જાફરગંડી તેમની સારવારનું નિરીક્ષણ કરી રહ્યા હોવાનું કહેવાય છે.

આ દરમિયાન ઈરાનના રાજ્ય મીડિયાએ નેતૃત્વમાં સતતતા બતાવવા માટે મોજતબા ખામેનેઈના નામે એક સંદેશ પ્રસારિત કર્યો હતો. જોકે આ સંદેશ તેઓએ પોતે નહીં પરંતુ એક ન્યૂઝ એન્કરે વાંચ્યો હતો. સંદેશમાં જણાવાયું હતું કે ઈરાન પોતાના નાગરિકોના લોહીનો બદલો લેશે અને પ્રાદેશિક દરિયાઈ માર્ગોને લક્ષ્ય બનાવી કાર્યવાહી ચાલુ રાખશે. તેમાં હોર્મુઝ સ્ટ્રેટને અવરોધિત કરવાની ધમકીનો પણ સમાવેશ હતો. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનની લશ્કરી અને રાજકીય વ્યવસ્થા એટલી મજબૂત છે કે સર્વોચ્ચ નેતાના સીધા આદેશ વિના પણ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં કાર્યવાહી ચાલુ રાખી શકે છે. જોકે ઈરાનમાં કડક ઈન્ટરનેટ નિયંત્રણો અને નેતાની સારવારની આસપાસ ગોઠવાયેલી ભારે સુરક્ષાને કારણે આ તમામ દાવાઓની સ્વતંત્ર રીતે ચકાસણી કરવી મુશ્કેલ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

Most Popular

To Top