સુરત શહેરમાં આજ રોજ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થનારી ફાઇનલ મેચને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને કાપડ માર્કેટ વિસ્તારમાં વેપારીઓ દ્વારા ટીમ ઈન્ડિયાની જીત માટે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોટી સખ્યામાં કાપડ વેપારીઓ ઉપસ્થિત રહ્યા. તેમજ 600 ચોરસ ફૂટનો તિરંગો પણ લહેરાવવામાં આવ્યો હતો .
કાપડ માર્કેટના વેપારીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ યજ્ઞ-હવનનું આયોજન કર્યું હતું. દેવી વિજય મંત્ર અને રામ વિજય મંત્ર દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો, હવનમાં આહુતિ આપી ટીમ ઈન્ડિયા વિજયી બને તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. કાપડ વેપારીઓએ જણાવ્યું કે દેશની ટીમ જ્યારે મહત્ત્વપૂર્ણ મેચ રમવા ઉતરે ત્યારે દરેક ભારતીયના દિલમાં જીતની આશા હોય છે, તેથી ટીમના ઉત્સાહ વધારવા માટે આ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે સમગ્ર માર્કેટ વિસ્તારમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. વેપારીઓએ ભારતના ખેલાડીઓના પોસ્ટર અને બેનરો લગાવી ટીમ ઈન્ડિયાને શુભેચ્છાઓ પાઠવી હતી. ઘણા સ્થળોએ તિરંગા ઝંડા પણ લહેરાવતા જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર દેશપ્રેમના રંગમાં રંગાયો હતો.
ક્રિકેટ પ્રેમીઓએ જણાવ્યું કે આજે રમાનારી ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક બનવાની છે અને સમગ્ર દેશની નજર આ મુકાબલા પર રહેશે. લોકોમાં ખાસ કરીને ભારતની જીત અંગે ભારે આશાવાદ જોવા મળી રહ્યો છે.આજ રોજ અમદાવાદ ખાતે આવેલા Narendra Modi Stadium માં India national cricket team અને New Zealand national cricket team વચ્ચે ફાઇનલ મુકાબલા ને લઈને દેશભરના ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
સુરતના વેપારીઓએ પણ ટીમ ઈન્ડિયાને શુભેચ્છાઓ પાઠવી અને ભારત વિજયી બને તેવી કામનાઓ વ્યક્ત કરી છે. શહેરમાં અનેક જગ્યાએ ક્રિકેટ ચાહકો દ્વારા મેચ જોવા માટે ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી છે. આખું શહેર હવે ભારતની જીત માટે આતુરતાથી મેચની રાહ જોઈ રહ્યું છે.