સસરા પુત્રવધૂને નોકરીએ મૂકવા લઈ જઈ રહ્યા હતા ત્યારે સર્જાયો અકસ્માત
31 વર્ષીય પ્રિન્સા પરમારનું સ્થળ પર જ મોત, બાપોદ પોલીસે આઇસર ચાલકને ઝડપી પાડ્યો
વડોદરા, તા. 7 : વડોદરા શહેરના આજવા ચોકડી નજીક વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા એક્ટિવા સવાર યુવતીનું કરુણ મોત થયું હતું. આઇસર ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા 31 વર્ષીય પ્રિન્સા પરમારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાપોદ પોલીસે આઇસર ચાલકને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ પ્રિન્સા પરમારને તેમના સસરા બાઇક પર નોકરીએ મૂકવા લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન આજવા ચોકડી નજીકથી પસાર થતાં પાછળથી ઝડપભેર આવી રહેલા આઇસર ટ્રકે તેમની બાઇકને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પ્રિન્સા પરમાર રસ્તા પર પટકાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું સ્થળ પર જ મોત થયું હતું.
અકસાન્તની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કબ્જે લઈને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
આ બનાવને લઈને બાપોદ પોલીસે આઇસર ચાલકને ઝડપી પાડી તેની સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. શહેરમાં બેફામ દોડતા ભારધારી વાહનોના કારણે વારંવાર અકસ્માતો સર્જાતા હોવાના કારણે લોકોમાં ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે
