ખોટી ઓળખથી પોર્ટુગલની નાગરિકતા મેળવી ભારતમાં પ્રવેશ કરનાર સરથાણાના વ્યક્તિ સામે ગુનો નોંધાયો
સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમિગ્રેશન ચેકિંગ દરમિયાન બોગસ પાસપોર્ટનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. ખોટા દસ્તાવેજોના આધારે પોર્ટુગલની નાગરિકતા મેળવી ઈ-ટુરિસ્ટ વિઝાથી ભારતમાં પ્રવેશ કરનાર સરથાણા વિસ્તારના વ્યક્તિ સામે પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા સુંદરગીરી ચંદનગીરી (ઉંમર 39), જે સરકારી ક્વાર્ટર્સ સેન્ટ્રલ આઈબી કોલોની તથા પાસપોર્ટ ઓફિસ નજીક રહે છે, તેમણે સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા ભાવેશ ધીરૂભાઈ બોરડ જેમની (ઉંમર 49) વર્ષ છે તેમની સામે ફરિયાદ નોંધાવી હતી. ભાવેશ બોરડ મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કમી કેરાળા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદ મુજબ, આરોપી ભાવેશ બોરડ વિદેશમાં રહેતા સમયે ખોટી ઓળખનો ઉપયોગ કરતો હતો. તેણે પોર્ટુગલમાં બામનિયા કલ્પેશકુમાર રતિલાલ નામ ધારણ કરીને ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ બોગસ દસ્તાવેજોના આધારે તેણે પોર્ટુગલ સરકારની કચેરીઓમાં અરજી કરીને પોતાને સાચા તરીકે રજૂ કર્યો હતો.
આ પ્રક્રિયા દરમિયાન આરોપીએ પોર્ટુગલની નાગરિકતા તેમજ પાસપોર્ટ મેળવ્યો હતો. ત્યારબાદ આ પાસપોર્ટનો ઉપયોગ કરીને તેણે ઈ-ટુરિસ્ટ વિઝા માટે અરજી કરી અને તે આધારે ભારતનો વિઝા મેળવી લીધો હતો.
પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપીએ મુંબઈ અને સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ આ બોગસ પાસપોર્ટનો ઉપયોગ સાચા દસ્તાવેજ તરીકે કર્યો હતો.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને પોલીસે ફરિયાદના આધારે ભાવેશ બોરડને ડિટેન કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ એજન્ટ અથવા નેટવર્ક સંડોાયેલું છે કે નહીં.પોલીસના જણાવ્યા મુજબ, તપાસ આગળ વધતા વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.