સુરત શહેરમાં સામાન્ય રીતે આનંદ અને શાંતિ સાથે ઉજવાતી ધુળેટી આ વર્ષે કતારગામ વિસ્તારમાં હિંસક બનાવને કારણે કલંકિત બની છે. બાપાસીતારામ ચોક પાસે આવેલી રૂક્ષ્મણી સોસાયટી નજીકથી પસાર થઈ રહેલા એક પરિવાર પર અસામાજિક તત્વોએ અચાનક હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો,
માહિતી મુજબ, ધુળેટીના દિવસે પરિવાર કારમાં સવાર થઈને રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે રસ્તા પર ઉભેલા કેટલાક શખ્સોએ ગાડી પર ગંદા પાણીથી ભરેલી કોથળીઓ ફેંકી ઉશ્કેરણીજનક વર્તન કર્યું હતું. પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવતા વાત વિવાદમાં ફેરવાઈ ગઈ. લુખ્ખાતત્વોએ ગાડીની ચાવી કાઢી લીધી અને અભદ્ર ભાષામાં ગાળાગાળી શરૂ કરી.
થોડી જ વારમાં મામલો હિંસક બન્યો. હુમલાખોરો હાથમાં પહેરેલા ભારે કડા અને લાકડાના ડંડા વડે પરિવારના સભ્યો પર તૂટી પડ્યા. મહિલાઓ સાથે પણ દુર્વ્યવહાર કરાયો અને બચાવ માટે વચ્ચે પડેલા લોકોને પણ માર મારવામાં આવ્યો. આ હુમલામાં કુલ 12 જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે.
બધા ઇજાગ્રસ્તોને તરત જ SMIMER Hospital ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા. ઘટનાની સમગ્ર હરકત નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં હુમલાખોરોની દાદાગીરી સ્પષ્ટપણે જોવા મળે છે.
પોલીસે CCTV ફૂટેજ કબજે કરી તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી તેજ કરી છે. શાંતિના પર્વે સર્જાયેલી આ હિંસક ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે.