Comments

જગતના મુસ્લિમોનો સર્વમાન્ય નેતા કોણ?

દુનિયામાં મુસ્લિમ બહુમતી ધરાવતા ત્રેપન દેશો છે. અમુક મુસ્લિમ દેશો આપસમાં લડી રહ્યા છે પરંતુ જગતમાં મુસ્લિમોની વસતિ લગભગ બે અબજ છે. તેમ છતાં જગતભરમાં ધાક હોય એવો કોઇ મુસ્લિમ લીડર નથી. અમુક મહત્વના અને મુસ્લિમ જગતમાં અગ્રેસર નેતાઓ જરૂર છે. મુસ્લિમ ઉમ્માહ અથવા જગતના મુસ્લિમો મુસ્લિમોના સંયુકત જગતને વધુ મહત્વ આપે છે. આ કારણથી એ જાણવું પણ મહત્વનું બની રહે છે કે જગતના મુસ્લિમો કોને પોતાના સર્વગ્રાહી અથવા મુસ્લિમોમાં સૌથી સ્વીકાર્ય અને લોકપ્રિય નેતા માને છે? આ વિષય પર અમુક સંસ્થાઓ દ્વારા સર્વેક્ષણો થયા છે. તેનાં પરિણામો જણાવે છે કે લોકોની અલગ અલગ પસંદગીઓ છે. કેટલાંક નામો તેમાં આગળ પડતાં છે.

એક મહત્વનું અને જોરાવર નામ તુર્કીયેના પ્રમુખ રશીદ તૈયબ એર્દોમાનનું છે. એ જે કંઇ કહે છે કે બોલે છે, મુસ્લિમ જગત તેને ધ્યાનપૂર્વક સાંભળે છે. જો કે એ ભારતના સારા મિત્ર નથી અને સાદા મિત્ર નથી. મુસ્લિમ જગતમાં એ લોકપ્રિય એટલા માટે છે કે એ મુસ્લિમોની જ તરફેણ કરે છે. અગાઉ તુર્કીના પ્રથમ લોકશાહીય પ્રમુખ મુસ્તફા કમાલ આતાતુર્કએ તુર્કીને ધર્મનિરપેક્ષ લોકશાહી બનાવી હતી અને તેમાં સફળ રહ્યા હતા.

એમના સમયમાં તુર્કીને એ પ્રસિદ્ધ મસ્જીદ ખ્રિસ્તીઓને પાછી સોંપવામાં આવી હતી. જે અગાઉ એક ચર્ચ હતું અને ઓટોમન શાસન વખતે મસ્જીદમાં ફેરવી નખાયું હતું. આતાતુર્કના સમયમાં એ ફરીથી ચર્ચના રૂપમાં મ્યુઝિયમ બન્યું અને હગીઆ સોફિયા નામનું એ ચર્ચા 2020માં મસ્જીદ બનાવી દેવાયું. એ રીતે અન્ય ચર્ચોને 2020થી 2024ની વચ્ચે મસ્જીદોમાં ફેરવી નખાયા છે. આ બધુ અરદોગાનની આગેવાની હેઠળ થયું છે તેથી ધર્મચૂસ્તોમાં એ લોકપ્રિય છે.

તાજેતરમાં રમજાન માસ શરૂ થવાની પૂર્વ સંધ્યાએ એમણે પ્રવચન આપ્યું તેજગતના બે અબજ મુસ્લિમોને સંબોધીને આપ્યું હતું. મુસ્લિમોને એક બનવાનો એમણે સંદેશ આપ્યો હતો પરંતુ ઘરઆંગણે અમુક કામકાજને બાદ કરતાં દુનિયાના મુસ્લિમોના ઉધ્ધાર માટે એ કશું નોંધપાત્ર કરી શકયા નથી. એમની દુવિધા એ છે કે તુર્કીયે યુરોપ-અમેરિકા નાટો સંગઠનનું પણ સભ્ય છે જ્યાં ખ્રિસ્તી રાષ્ટ્રોની જ બોલબાલા છે અને તેમાં એમણે તુર્કીયેને મુસ્લિમ દેશ બનાવી રાખ્યો છે.

મુસ્લિમ જગતનો કોઇ એક સર્વસ્વીકૃત પ્રવકતા નથી. 632 ઇ.સ.માં પ્રોફેટ મોહમ્મદના ઇંતેકાલ બાદ મુસ્લિમ જગતમાં સર્વમાન્ય ધાર્મિક નેતા કોઇ નથી. અન્ય ધર્મોની માફક મુસ્લિમો અમુક પંથ અને ફીરકાઓમાં વહેંચાઇ ગયા છે. તેઓ કુરાનનું શિક્ષણ અરેબિકમાં મેળવે છે પરંતુ માતૃભાષાઓ અલગ અલગ છે. અર્દોગાન પોતે તુર્કીશ ભાષા બોલે છે જે મુસ્લિમોનો એક અલ્પ સમુદાય જાણે-સમજે છે. દુનિયાના મુસ્લિમો ઇચ્છે છે કે એમના વતી બોલે એવો એક સર્વમાન્ય અવાજ હોવો જોઇએ. જો આ કામ સોંપવું હોય તો કોને સોંપવું જોઇએ?

અરદોગાનના ચાહકો અને શિષ્યો તુર્કીયે ઉપરાંત વિદેશોમાં પણ છે. દુનિયાભરનાં કચડાયેલાં અને ગરીબ મુસ્લિમો માટે એ અવાજ ઉઠાવતા રહ્યા છે. ઇરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ અલી ખામેની મુસ્લિમો પરના અત્યાચારો બાબતમાં અગ્રેસર બની બોલે છે. આ ઉપરાંત મુસ્લિમ ધર્મની જયાં સ્થાપના થઇ તે સાઉદી અરેબિયાના પાટવી કુંવર અને વડા પ્રધાન મોહમ્મદ બિન સલમાનનું નામ લઇ શકાય.

પરંતુ એમબીએસ તરીકે ઓળખાતા રાજકુમાર એટલા ધર્મઝનૂની નથી. ઉદારતાવાદી છે અને એમના રાજયના વિકાસને એ વધુ મહત્વ આપે છે. આ નેતાઓના શિષ્યોનો મોટો વર્ગ છે એ સામે તેઓના વિરોધીઓ પણ ઘણા છે. ‘આરબ બેરોમિટર’ નામક સંસ્થા દ્વારા એક સર્વેક્ષણ થયું તે તેમ જ અન્ય સર્વેક્ષણો થયાં તેમાં એ હકીકત સામે આવી છે કે રશીદ તૈયબ ઓર્દોગોનનું ધર્મ પ્રત્યેનું વલણ દુનિયાના મુસ્લિમોને સૌથી વધુ માફક આવે છે અને તેઓ ઓર્દોગાનને સૌથી વધુ પસંદ કરે છે. પરંતુ વૈશ્વિક રાજકારણમાં જો કોઇની તૂતી બોલતી હોય, જેમના અભિપ્રાયનો પ્રભાવ પડતો હોય તો તે મહમ્મદ બિન સલમાન છે.

અલી ખામેની આજે ઘરઆંગણે ઇરાનમાં સત્તા અને અસ્તિત્વ ટકાવવા માટેની જંજાળમાં, સ્ટ્રગલમાં પડયા છે. બીજી તરફ અમેરિકા-ઇઝરાયલનાં દળોએ ઇરાનને ચારે કોરથી ઘેરી લીધું છે. આ તો હમણાની વાત થઇ પરંતુ અમસ્થાય એ શિયાપંથી હોવાને કારણે મુસ્લિમોમાં 85 ટકાથી વધુ સંખ્યા ધરાવતા સુન્ની મુસ્લિમો માટે એ સર્વમાન્ય લીડર બની શકે છે, જો કે ઘરઆંગણે એ સુપ્રીમ લીડર છે.

ઘર આંગણે પ્રજાનો બળવો હિંસક રીતે દબાવવાની અનેક ઘટનાઓ બાદ દુનિયા એમનું સન્માન જાળવતી નથી. વિદેશોમાં સ્થાયી થયેલા ઇરાનીઓ જ એમના દમનકારી શાસના પ્રખર વિરોધીઓ છે. અન્ય દેશોનો શિયા સમુદાય પણ એમના પ્રત્યે આદર ધરાવતો નથી. લેબેનોન અને ઇરાકમાં શિયાઓની નોંધપાત્ર વસતિ છે. સુન્ની મુસ્લિમોનો એક વર્ગ સિરિયાના ઝનૂની બળવાખોર મટીને શાસક પ્રમુખ બનેલા અહમદ અલ-શરામાં લીડર જૂએ છે. ધર્મનું રક્ષણ કરવા માટે લડાઇ લડવાનો શ્રેય એ કાયદેસર લઇ શકે તેમ છે. બશર-અલ-અસદના બિનસાંપ્રદાયિક શાસન સામે એ વરસો સુધી લડ્યા હતા.

 એ રશીદ ઓર્દોગન એમબીએસથી તદ્દન અલગ માનસ ધરાવે છે. ધાર્મિક રીતે કટ્ટર છે. પરંતુ તુર્કીયે ઉપરાંત મધ્ય-પુર્વના દેશોમાં ઉપરાંત પાકિસ્તાનમાં એ પોપ્લુયર છે. અફઘાનિસ્તાન અને મોગાદીશુ સહિતના યુધ્ધગ્રસ્ત મુસ્લિમ દેશોની વહારેએ પહોંચ્યા હતા. આફ્રિકાના ગરીબ મુસ્લિમ દેશોમાં તુર્કીયે દ્વારા ધંધા-ઉદ્યોગોમાં આર્થિક મૂડી રોકાણ કરાવ્યું હતું. એ વરસોથી પોતાને મુસ્લિમ દેશોના પ્રખર અવાજ તરીકે ઢાળવાની કોશિશ કરી હતી. જોકે એમના પર આરોપ છે કે લિબિયા, ઈરાક અને મધ્યપૂર્વના દેશોમાં આંતરિક કલહો એમણે ભડકાવ્યા હતા. એ નાટો જેવુ મુસ્લિમ દેશોનું એક સંગઠન રચવાની તૈયારી કરી રહ્યા છે. આ બધા નેતાઓ છે અને મજબૂત છે, પણ સાથે મળીને ઈઝરાયલ- અમેરિકાનું ઈરાન પરનું આક્રમણ રોકાવી શક્યા નથી. આ લખાઈ રહ્યું છે ત્યારે અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર હુમલો કરી દીધો છે.
         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top