હાલોલ:
હાલોલ તાલુકાના પાવાગઢ (ચાંપાનેર) ગામમાં ગાંજાની ગેરકાયદેસર ખેતી સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ચોક્કસ બાતમીના આધારે પાવાગઢ પોલીસ અને એસ.ઓ.જી. (SOG) ટીમે સંયુક્ત રીતે દરોડો પાડી પાવાગઢના કુંભાર ફળિયા વિસ્તારમાં આવેલા એક મકાનની પાછળના વાડાની તપાસ કરી હતી. તપાસ દરમિયાન ત્યાં ગાંજાની ખેતી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.

સરકારી પંચોની હાજરીમાં વાડામાંથી કુલ 13.820 કિલોગ્રામ લીલા ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા હતા. એફ.એસ.એલ. અધિકારી દ્વારા પરીક્ષણ કર્યા બાદ જપ્ત કરાયેલો માલ ગાંજો હોવાનું નિશ્ચિત કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા ગાંજાની અંદાજિત કિંમત રૂપિયા 6,91,000 હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસે સ્થળ પરથી શંકરભાઈ પાનાલાલ પરમારની અટકાયત કરી હતી અને તેમના વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આરોપી સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
જિલ્લામાં નશીલા પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત કડક દેખરેખ રાખવામાં આવી રહી છે અને આવી પ્રવૃત્તિઓ સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે તેમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ