હોળી જેવા પવિત્ર તહેવારમા માંડ માંડ ઘરાકી ખુલી ત્યાં વહીવટી તંત્રના આવા પગલાંઓથી વેપારીઓમા રોષ જોવા મળ્યો
ગુજરાત મિત્ર, જેતપુરપાવી
જેતપુરપાવી શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને તાલુકા વહીવટી તંત્ર દ્વારા આડેધડ પાર્ક કરાયેલા વાહનો અને રસ્તા પર અડચણરૂપ રીતે ઉભી રાખવામાં આવેલા લારી-ગલ્લાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો અને બજાર વિસ્તારોમાં લાંબા સમયથી ગેરવ્યવસ્થિત પાર્કિંગને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જોકે, હોળી પહેલા થયેલી આ કામગીરીથી વેપારીઓ નારાજ થયા હતા.

તંત્ર દ્વારા વિશેષ ડ્રાઈવ યોજી ગેરકાયદે પાર્ક કરાયેલા વાહનોને હટાવવામાં આવ્યા હતા તેમજ કેટલાક લારીધારકોને સ્થળ પરથી હટાવવાની તાકીદ કરવામાં આવી હતી. ભવિષ્યમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.

જોકે, સ્થાનિક વેપારીઓમાં આ પગલાંને લઈને નારાજગી જોવા મળી હતી. જેતપુર પાવી નજીક સિંહોદનો બ્રિજ તૂટી જવાથી છેલ્લા લગભગ ત્રણ વર્ષથી વેપાર-ધંધા પર પ્રતિકૂળ અસર પડી છે. હવે હોળી જેવા પવિત્ર તહેવાર દરમિયાન માંડ માંડ ગ્રાહકોની અવરજવર વધતી હોવાના સમયમાં તંત્રની આ કાર્યવાહીથી વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. વેપારીઓનું કહેવું છે કે તંત્રે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના અચાનક પગલાં લેતાં તેમની રોજીરોટી પર અસર પડી રહી છે.

બીજી તરફ, કેટલાક નાગરિકો તંત્રના પગલાંને યોગ્ય ગણાવી રહ્યા છે. તેમનું માનવું છે કે ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને 0અકસ્માતોની સંભાવના ઘટાડવા માટે આવા પગલાં આવશ્યક છે.
તંત્ર દ્વારા નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અને જાહેર માર્ગો પર અવરોધ ન સર્જવાની અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટર: આરીફ ખત્રી