Gujarat

વિધાનસભામાં રાજ્યપાલને આવકારવાના ‘પ્રોટોકોલ પોલિટિક્સ’નો ધડાકો

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્ર દરમિયાન રાજ્યપાલને ગૃહની અંદર આવકારવાના પ્રોટોકોલ પોલિટિક્સના મુદ્દે રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું હતું. કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે ઉઠાવેલા મુદ્દા પર અધ્યક્ષ શંકર ચૌધરીએ સ્પષ્ટ અને કડક રૂલિંગ આપતાં કહ્યું હતું કે, “મેં જગદીશ વિશ્વકર્માને રાજ્યપાલને દોરીને અધ્યક્ષની ચેર સુધી લઈ જવા માટે કોઈ આમંત્રણ આપ્યું જ નહોતું.” આ નિવેદન બાદ ગૃહમાં ક્ષણિક સન્નાટો છવાઈ ગયો હતો.

મામલો બજેટ સત્રના પ્રારંભના દિવસે સર્જાયેલી ઘટનાનો હતો. પરંપરા મુજબ ગૃહના નેતા અને સંસદીય બાબતોના મંત્રી રાજ્યપાલને અધ્યક્ષની ચેર સુધી દોરી જતાં હોય છે. પરંતુ આ વખતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા પણ રાજ્યપાલની સાથે આગળ વધતા જોવા મળ્યા હતા.

શૈલેષ પરમારે ગૃહમાં પ્રશ્ન ઉપસ્થિત કરીને અધ્યક્ષનું માર્ગદર્શન માંગતા કહ્યું હતું કે શું આ માટે અધ્યક્ષ દ્વારા વિશ્વકર્માને કોઈ સત્તાવાર આમંત્રણ અપાયું હતું? જો આમંત્રણ આપ્યું હોય, તો કોંગ્રેસના નેતા ડૉ. તુષાર ચૌધરી કે અમિત ચાવડાને કેમ અવગણાયા? “જો અમિત ચાવડાને આમંત્રણ મળ્યું હોત, તો તેઓ પણ રાજ્યપાલને દોરી જતાં,” એમ પરમારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું.

સરકાર તરફથી આ મુદ્દે કોઈ સ્પષ્ટ બચાવ ન આવ્યો. ભાજપના વરિષ્ઠ સભ્ય અને પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ હળવો પ્રતિસાદ આપતાં કહ્યું હતું કે વિશ્વકર્મા અધ્યક્ષની ચેર સુધી ગયા નહોતાં, માત્ર થોડા અંતર સુધી રાજ્યપાલની સાથે ચાલ્યા હતા, જેમાં વાંધો ન હોઈ શકે. પરંતુ અંતિમ નિર્ણયમાં અધ્યક્ષ શંકર ચૌધરીએ સ્પષ્ટ કર્યું હતું કે મેં જગદીશ વિશ્વકર્માને રાજ્યપાલને દોરીને અધ્યક્ષની ચેર સુધી લાવવા કોઈ આમંત્રણ આપવામાં આપ્યું નહોતું. મેં ફકત્ત મુખ્યમંત્રી સંસદિય બાબતોના મંત્રીને આમંત્રણ આપ્યું હતું. “જો અમિત ચાવડા પણ આગળ આવ્યા હોત તો કદાચ હું તેમને રોકતો પણ નહીં,” એમ કહી અધ્યક્ષે સૂચવ્યું હતું કે ગૃહની કાર્યવાહી નિયમો મુજબ જ ચાલે છે અને સૌએ તેનું પાલન કરવું જોઈએ. તેમાં કોઈ અપવાદ નથી.

ચર્ચાસ્પદ બાબત એ રહી કે રાજ્યપાલને વિધાનસભા ગૃહની અંદર આવ્યા પછી અધ્યક્ષની ચેર સુધી દોરી જવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા હતા તે મુદ્દે ભાજપમાંથી કોઈએ કોંગ્રેસે ઉઠાવેલા વાંધા સામે બચાવ કર્યો નહોતો, પરિણામે પ્રોટોકોલને લઈને ઊભો થયેલો આ મુદ્દો રાજકીય ગલિયારાઓમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

Most Popular

To Top